બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અટકી નથી, ફરીવાર મંદિરમાં તોડફોડ; એકની ધરપકડ
ઢાકાઃ બાંગ્લાદેશમાં લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અસામાજિક તત્વો ક્યારેક મંદિરો તો ક્યારેક ઘરોને નુકસાન પહોંચાડે છે. મૈમનસિંહ અને દિનાજપુરના ત્રણ હિંદુ મંદિરોમાં બે દિવસમાં અસામાજિક તત્વોએ આઠ મૂર્તિઓને ખંડિત કરી નાંખી છે. જો કે, તોડફોડ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
37 વર્ષીય વ્યક્તિની ધરપકડ
ઉત્તર મૈમેંસિંગ જિલ્લાના હલુઆઘાટ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી અબુલ ખૈરે જણાવ્યું હતું કે, અસામાજિક તત્વોએ ગુરુવારે રાત્રે શાકુઆઈ વિસ્તારમાં એક મંદિરમાં નિર્માણાધિન બે મૂર્તિઓ તોડી નાંખી હતી. આ મામલે 37 વર્ષના અઝહરૂલની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીએ કહ્યુ કે, ‘અમે તેને આજે કોર્ટમાં રજૂ કરીશું.’
હસીનાએ 5 ઓગસ્ટે દેશ છોડવો પડ્યો
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા મહિનાઓથી તણાવનું વાતાવરણ છે. સ્થિતિ એવી બની કે, આ વર્ષે 5 ઓગસ્ટે શેખ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપીને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. આ પછી હિંદુઓ હિંસાનો શિકાર થવા લાગ્યા હતા. ઓક્ટોબર મહિનામાં હજારો બાંગ્લાદેશી હિંદુઓએ તેમના અધિકારો અને સુરક્ષાની માગણી સાથે ચટગામનાં રસ્તાઓ પર પ્રદર્શન કર્યું હતું. અહીંની 17 કરોડની વસ્તીમાં માત્ર આઠ ટકા હિંદુઓ છે. 5 ઓગસ્ટથી નવેમ્બર સુધીમાં 50 જિલ્લામાં 200થી વધુ હુમલા થયા છે.