શાળા-વિદ્યાર્થીઓ વચ્ચે વેરી બની નદી, વારંવાર રજૂઆત છતાં તંત્ર ઉંઘમાં!
વિક્રમ સરગરા, બનાસકાંઠાઃ એકબાજુ સમગ્ર ગુજરાતમાં શિક્ષણ અને સરકારના વિકાસની વાતો થાય છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ભૂતિયા શિક્ષકો સામે આવી રહ્યા છે. આજે ન્યૂઝ કેપિટલની ટિમ તારંગડા શાળામાં પહોંચી છે, જ્યાં જીવના જોખમે બાળકો નદી પાર કરીને શાળાએ આવે છે તો શિક્ષક બીજી શાળામાં નોકરી કરીને પગાર અહીંથી લે છે.
દાંતા તાલુકાના તારંગડા ગામની પ્રાથમિક શાળાના બાળકો અને સ્ટાફ બંને આ તકલીફથી ઝઝૂમી રહ્યા છે. બાળકોને શાળામાં આવવા માટે એક નદીમાં વહેતા પાણીને પાર કરવી પડી રહી છે. આ નદી પાર કરવામાં અગાઉ પણ ગત વર્ષે 2 બાળક તણાઈ જવાની ઘટના બની ચુકી છે. છતાં સરકાર જાગતી નથી અને અહીંયા સગર્ભા બહેનોને પણ બહુ તકલીફ પડતી હોય છે. કારણ કે આ નદીનો પ્રવાહ એટલો હોય છે કે આ પ્રવાહ 108 પણ ઝીલી શકતી નથી.
આ નદીનું પાણી વિદ્યાર્થી અને શાળા વચ્ચે વેરી થઈને વહી રહ્યું છે. શાળાના બાળકોને શાળામાં જવાની ખૂબ જ તકલીફ પડે છે. આ બાળકો ચોમાસા દરમિયાન શાળામાં આવી શકતા જ નથી. તેને લઈને બાળકોના ભણતર પર અસર પડે છે. અગાઉ પણ અહીં 2 બાળકો તણાઈ ગયા હતા. તંત્ર ઘોર નિંદ્રામાં છે કે, તેમને વારંવાર થતી રજૂઆત પણ ધ્યાને આવતી નથી.
આ શાળાના શિક્ષક પટેલ અરવિંદભાઈ વિરસંગભાઈ છેલ્લા 8 મહિનાથી બાજરવાડા શાળામાં ફરજ બજાવી રહ્યા છે અને તેમનો પગાર પડે છે. તારંગડા પ્રાથમિક શાળાના આચાર્યને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે, તારંગડા શાળામાં પણ એક શિક્ષકની ઘટ છે. તેમ છતાં આ શિક્ષક ને TPO અને DPOનાં મૌખિક આદેશથી બાજરવાડા શાળામાં મૂકી દેવામાં આવ્યા છે અને પગાર હજુ પણ તારંગડા પ્રાથમિક શાળામાં પડી રહ્યો છે.