December 22, 2024

બોપલમાં બિલ્ડર પર હુમલો થતા કર્યું 2 રાઉન્ડ ફાયરિંગ, બે આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં ઝઘડાની અદાવતમાં 10 લોકોએ હથિયારોથી બિલ્ડર પર હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટના CCTV થઈ કેદ થઇ છે. બોપલ પોલીસે આ હુમલા કેસમાં 2 આરોપીની ધરપકડ કરી છે અને ફાયરિંગ મામલે બિલ્ડર વિરુદ્ધ ક્રોસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી.

બોપલ વિસ્તારમા હથિયારો સાથે બાનમા લેવાના વીડિયોએ કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યા છે. બિલ્ડર પર 10 લોકોના ટોળાએ હથિયારથી હુમલો કર્યો. અને બિલ્ડરે જીવ બચાવવા હવામા બે રાઉન્ડ ફાયરીંગ કરતા સનસનાટી મચી હતી. ઘટનાની વાત કરીએ તો બોપલના બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા ઈનોવા ગાડીમા મેરી ગોલ્ડ સર્કલ નજીકથી પસાર કરી રહ્યા હતા ત્યારે રાજેન્દ્રસિહ સોલંકી ઉર્ફે લાલભા અને અનિલસિંહ પરમાર ઉર્ફે દાજી અને 8 જેટલા લોકોએ અચાનક લાકડીઓ અને પાઈપોથી હુમલો કરી દીધો હતો. આ હુમલાથી બચવા માટે બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ સ્વરક્ષણ માટે લાયસન્સવાળી રિવોલ્વરથી બે રાઉન્ડ હવામા ફાયરીંગ કરીને ટોળાના હાથમાંથી બચીને ગાડી લઈને નીકળી ગયા હતા. આ ઘટનાનો વિડીયો અને સીસીટીવી ફુટેજ સામે આવતા બોપલ પોલીસે ગુનો નોંધીને રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમારની ધરપકડ કરી છે. જયારે ક્રોસમા બિલ્ડર ઉપેન્દ્રસિંહ વિરૂદ્ધ પણ ગુનો નોંધાવામા આવ્યો છે.

આ પણ વાંચો: ગરજ છે એટલે માફી માગે છે, પછી એના જ રંગમાં આવી જશે: ક્ષત્રિય સમાજ

પોલીસ તપાસમા સામે આવ્યુ કે આરોપી રાજેન્દ્રસિંહ, અનિલસિંહ તેમજ બિલ્ડર ઉપેન્દ્રસિંહ ધંધુકાના રહેવાસી છે અને એકબીજીના પરીચીત છે. છેલ્લા ચાર મહિનાથી તેઓ વચ્ચે તકરાર ચાલી રહી હતી. બિલ્ડર ઉપેન્દ્રસિંહ પચ્છમ ખાતે દાદા બાપુના ધામમા દર્શન કરવા જતા હતા. આ દરમ્યાન વિજયસિંહ સોલંકી ઉર્ફે ભુવાજીના સંપર્કમા આવ્યા હતા. તેઓ અવારનવાર સામાજીક અને ધાર્મિક પ્રસંગે જતા હતા અને દાન પણ કરતા હતા. પરંતુ ભૂવાજીના ભાઈ રાજેન્દ્રસિંહ સોંલકીએ બિલ્ડર અને તેના પરિવાર વિરૂદ્ધ ખોટા આક્ષેપો કરતા તેમણે ધામમા દર્શન કરવા જવાનુ બંધ કરી દીધુ હતુ. જેના સમાધાનને લઈને વડીલો દ્રારા ચર્ચા પણ કરવામા આવી હતી. 27 માર્ચના રોજ ફોન પર આ ચર્ચા એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે રાજેન્દ્રસિંહે ઉપેન્દ્રસિંહને બોપલ મળવા બોલાવ્યા હતા. અને તેઓ મળવા પહોંચ્યા કે તરત જ તેમની પર હુમલો કરી દીધો હતો. જેથી ઉપેન્દ્રસિંહે બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ. આ કેસમા બોપલ પોલીસે જાહેરમા હથિયારો સાથે આવવા જાહેરનામા ભંગની કલમ અને આચારસંહિતા લાગુ થઈ હોવા છતાં લાયસન્સ જમા નહિ કરાવવા બદલની કલમો ઉમેરીને બન્ને પક્ષની ક્રોસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

સામાન્ય ઝઘડા અને મનદુખમા બે પક્ષોએ બોપલ વિસ્તારને બાનમા લઇને કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉભા કર્યા હતા. હાલમા બોપલ પોલીસે આ કેસમા બે આરોપીની ધરપકડ કરી છે. જયારે હજુ 8 આરોપી ફરાર હોવાથી સીસીટીવી ફુટેજના આધારે તેમની ઓળખ કરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.