December 22, 2024

અમરેલીમાં મગફળીના પાકમાં જીવાત પડતાં ખેડૂતો પાયમાલ થવાની કગારે!

Amreli Farmer Magfali

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં ચાલુ વર્ષે 2.7 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. પરંતુ એક તરફ અમરેલી જિલ્લામાં ખેડૂતોને સોળ આની વર્ષ થવાની આશાઓ પર પાણી ફરી વળે તેવા સમીકરણો સાકાર થતા જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં મગફળીમાં મુંડા આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવા દિવસો આવતા અમુક ખેડૂતોએ પરસેવાની કમાણી મુંડામાં સમાણી હોય તેવો ઘાટ ઘડાયો છે.

અમરેલી જિલ્લાના 11 તાલુકા મથકો પર મગફળીનું 2.7 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. પાક સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે શરૂઆતમાં મગફળીના વાવેતર બાદ ઈયળો અને સૂકો આવી જતાં પાક બગડ્યો હતો. તેમાંથી ખેડૂતો બહાર નીકળ્યા ત્યાં હવે મગફળીમાં મુંડા આવતા મગફળીનો છોડના મૂળ મુંડા ખાઈ જાય છે. મગફળીનો પાક સુકાવા માંડ્યો છે. મુંડા નામની ઇયળોએ મગફળીના ઉભા પાકનો સોંથ બોલાવી દે છે. ત્યારે ગ્રામીણ પંથકમાં ખેડૂતોએ મગફળીના પાકને મુંડાએ મુશ્કેલી વધારી છે. ચોમાસામાં બે પૈસા કમાવવાની આશાઓ પર મુંડા નામની ઇયળોએ પાણી ફેરવી દીધું હોવાની પ્રતીતિ ખેડૂતો કરી રહ્યા છે.

ખાંભા ગીર પંથક સાથે ધારી, બગસરામાં ખેડૂતોની મગફળીમાં મુંડા આવતા ખેડૂતોના મગફળીના ઉભા પાક બળવા લાગ્યો છે. ઉભો છોડ સૂકાવવા લાગ્યો છે એક તો મોંઘું બિયારણ અને ખાતર ને ઉપરથી મોંઘીદાટ રાસાયણિક દવાઓ નાખવા છતાં મગફળીમાં મુંડા જતા નથી. મગફળીના છોડને તહેશનહેશ કરતા મુંડાથી પરેશાન ખેડૂતો દવાનો છંટકાવ કરવા છતાં મુંડા જતી નથી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ત્યારે ચોમાસાની સારી એવી સિઝન છે અને વરસાદ પણ સારો પડ્યો છે. પરંતુ મગફળીમાં મુંડાએ હાહાકાર મચાવ્યો છે અને મગફળીનાં છોડને બાળી રહ્યો છે. તેના કારણે મગફળીનો છોડ સૂકાવવા લાગે છે અને છોડ વિકાસ ન થતા ખેડૂતો મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરે છે. પરંતુ મગફળીમાંથી મુંડા જતી નથી. ત્યારે ઉમરીયા ગામના ખેડૂત દેવશીભાઈ જણાવ્યું હતું કે, મગફળીના પાકમાં એક વીઘે સાતથી આઠ હજારનો ખર્ચો કરી નાંખ્યો છે અને મગફળીનો પાક 50 ટકા જતો રહ્યો છે. અમારે 70થી 80 હજારનું નુકસાન જવાની ભીતિ રહી છે. સારા વરસાદ ન થવાથી કૂવા કે દારમાં પાણી ચડ્યાં નથી. આ માટે મગફળીનો પાક કાઢીને અન્ય વાવેતર પણ કરી શકાય તેમ નથી. સરકાર દ્વારા મગફળીના પાકમાં આવેલી મુંડાથી થયેલા નુકસાનનો સરવે કરાવવામાં આવે તેવી માગ છે.’

મગફળીના બિયારણ, નીંદામણ, દવા સહિતના ખેડૂતોએ ખર્ચેલા રૂપિયા ખેડૂતોના પાણીમાં ગયા હોય તેવી અમુક તાલુકા મથકો પર મગફળીમાં મુંડાએ બેહાલ કર્યા છે. ત્યારે મગફળીનું વાવેતર કરી બેઠેલા ખેડૂતોને મગફળીમાં મુંડા આવતા રાતા પાણીએ રોવાનો વારો આવે તેવા સમીકરણો અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યાં છે.