December 21, 2024

અંબરિશ ડેર અને CR પાટીલની મુલાકાત, આવતીકાલે ભાજપમાં જોડાશે

ambris der and cr patil meeting 20 minutes will join bjp soon

ડાબે સીઆર પાટીલ અને જમણે અંબરિશ ડેર - ફાઇલ તસવીર

અમદાવાદઃ લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા હતા કે, કોંગ્રેસના નેતા અંબરિશ ડેર ભાજપમાં જોડાવવાના છે. ત્યારે ન્યૂઝ કેપિટલે આ સમાચાર સૌપ્રથમ આપ્યા હતા અને તેને મ્હોર વાગી ગઈ છે.

કોંગ્રેસના નેતા અંબરિશ ડેર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વચ્ચે મુલાકાત થઈ છે. અંબરિશ ડેરના સાયન્સ સિટીમાં નિવાસસ્થાને 20 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. ત્યારબાદ અંબરિશ ડેરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધું છે.

અંબરિશ ડેર ભાજપમાં જોડાય તેવી શક્યતા
બે દિવસ પહેલાં મળેલી કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં અંબરિશ ડેર ગેરહાજર રહ્યા હતા. ત્યારથી તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ રહી હતી. જો કે, આ અગાઉ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ તેમની સભામાં અંબરિશ ડેરને ભાજપમાં જોડવવા માટે જાહેરમાં આમંત્રણ પણ આપ્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે, ‘અંબરિશ ડેર માટે મેં બસમાં રૂમાલ રાખી સીટ રોકી હતી, પણ તેઓ ગાડી ચૂકી ગયા હતા.’

વિપક્ષના નેતાઓના નામ ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે, 2024માં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઈને ભાજપ સહિતની તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તેવા સમયે ગુજરાતના ઘણા નામી વિપક્ષી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ ગઈ છે. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરશે. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓના નામ સામેલ છે.

ભાજપે લોકસભા ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ તમામ પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી દેશના અલગ અલગ રાજ્યોમાં અમુક ઉમેદવારોના નામ જાહેર કરતી પહેલી યાદી બહાર પાડી છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમાં 10 સાંસદને રિપિટ કરવામાં આવ્યા છે અને 5 નવા ઉમેદવારો પર બાજી લગાવવામાં આવી છે.