December 19, 2024

‘અજિત પવાર એક દિવસ મુખ્યમંત્રી બનશે’, CM દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આપ્યું નિવેદન

Maharashtra Assembly Session: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે મોટું નિવેદન આપ્યું છે. ફડણવીસે વિધાનસભામાં કહ્યું કે, રાજ્યના નાયબ મુખ્ય મંત્રી અને NCP વડા અજિત પવાર એક દિવસ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બનશે. નોંધનીય છે કે, અજિત પવાર પોતાની રાજકીય કારકિર્દીમાં ઘણી વખત રાજ્યના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન ફડણવીસે અજિત પવાર અને એકનાથ શિંદેની કાર્યશૈલીની પણ પ્રશંસા કરી હતી. સીએમ ફડણવીસે કહ્યું કે તેઓ અને તેમના બંને ડેપ્યુટી CM અજિત પવાર અને એકનાથ શિંદે રાજ્ય માટે 24×7 કામ કરશે.

ત્રણ શિફ્ટમાં કામ થશે
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે રાજ્યપાલના સંયુક્ત સંબોધન માટે આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન ફડણવીસે કહ્યું કે તેઓ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે લોકો માટે સાત દિવસ અને 24 કલાક શિફ્ટમાં કામ કરશે. ફડણવીસે કહ્યું- “અજિત પવાર સવારે કામ કરશે, તેઓ સવારે વહેલા ઉઠે છે. હું બપોરે 12 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી કામ કરું છું, જ્યારે તમે બધા જાણો છો કે કોણ (એકનાથ શિંદે) આખી રાત કામ કરે છે.”

અજીત એક દિવસ સીએમ બનશે: ફડણવીસ
નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો ઉલ્લેખ કરતા મોટી વાત કહી. ફડણવીસે કહ્યું- તમને કાયમી નાયબ મુખ્યમંત્રી કહેવામાં આવે છે પરંતુ મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. તમે એક દિવસ મુખ્યમંત્રી બનશો.” તમને જણાવી દઈએ કે અજિત પવારે 5 ડિસેમ્બરે છઠ્ઠી વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

એનસીપીએ જોરદાર વાપસી કરી
તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાગઠબંધને 288માંથી 230થી વધુ બેઠકો મેળવીને જંગી બહુમતી મેળવી છે. લોકસભા ચૂંટણીમાં માત્ર 1 સીટ જીતનાર NCPએ વિધાનસભામાં જોરદાર વાપસી કરી અને 41 સીટો જીતી. અજિત પવારની પાર્ટીએ કુલ 57 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (શરદ ચંદ્ર પવાર)ની મહાવિકાસ અઘાડી રાજ્યમાં માત્ર 46 બેઠકો જ મેળવી શકી છે.