December 21, 2024

શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓનો હોબાળો, આગ લાગવાની ઘટના છુપાવ્યાનો આક્ષેપ

અમદાવાદઃ શહેરના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આગની ઘટનાને છુપાવવા સ્કૂલમાં રાતોરાત કલરકામ કરી દેવામાં આવ્યું છે.

વાલીઓએ કહ્યુ છે કે, બેઝમેન્ટમાં લાગેલી આગવાળા ક્લાસરૂમને તાત્કાલિક કલરકામ કરી દેવામાં આવ્યું છે. બેઝમેન્ટના અન્ય તમામ રૂમમાં સફેદ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે આગવાળ એકમાત્ર ક્લાસરૂમમાં કેસરી કલરનો રંગ કરવામાં આવ્યો છે. શાળા સંચાલકોએ આગની ઘટનાને છુપાવવા માટે રાતોરાત કલરકામ કરી નાંખ્યું છે. તેટલું જ નહીં, ઘટના છુપાવ્યા બાદ કલરકામ કરી પુરાવાઓનો નાશ કરવા માટે પણ પ્રયત્ન કર્યો હતો.

આગ લાગી હતી અને તાત્કાલિક સીસીટીવી બંધ કરી દીધા હતા. ત્યારે આ મામલે વાલીઓએ હોબાળો કર્યો છે.વાલીઓએ સીસીટીવી બતાવવા માટે માગ કરી છે.એક વાલીએ કહ્યુ હતુ કે, ‘સ્કૂલથી ભૂલ થઈ તો તેમણે સ્વીકારી લેવી જોઈએ. આ રીતે જૂઠ્ઠું બોલવાથી કોઈ મતલબ નથી.’

અન્ય એક વાલી કહે છે કે, ‘બે એસીમાં આગ લાગી હતી. બાળકો ગભરાઈ ગયા હતા. બધા બાળકોને ધુમાડામાં બહાર કાઢવામાં આવ્યા હતા. સ્કૂલ અમારી સાથે જૂઠ્ઠું બોલી રહી છે અને આ સમગ્ર ઘટનાને મોકડ્રીલમાં ખપાવી રહી છે. અમને સીસીટીવી પણ બતાવી રહી નથી.’