January 29, 2025

અમદાવાદના રામોલમાં લૂંટ-હત્યાના પ્રયાસ મામલે 3 આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં લૂંટ અને હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલાયો છે. ગોમતીપુર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર આરોપીની પ્રેમિકાને રિકવેસ્ટ મોકલતા ઘટનાને અંજામ આપ્યો છે.

પોલીસે આરોપી મંથન પરમાર, ઉમેશ વાઘેલા અને પ્રિન્સ પરમારની ધરપકડ કરી છે. આ ત્રણેય મિત્રોએ મળીને જૈનિશ શ્રીમાળીને છલકપટથી મળવા બોલાવીને પથ્થરોથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ જૈનિશને અર્ધબેભાન કરીને તેના મોબાઈલ, વાહન અને અન્ય વસ્તુઓની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ગોમતીપુર પોલીસે બાતમીના આધારે નાગોરીની ચાલી નજીકથી નંબર પ્લેટ વગરની ટીવીએસ ગાડી કબ્જે કરીને પૂછપરછ કરતા લૂંટ અને હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલાયો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મંથન પરમાર ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતો હતો, ત્યારે જૈનિશ પણ ત્યાં જ ભણતો હતો. તે સમયે જૈનિશની સ્કૂલમાં પ્રેમિકા હતી. પરંતુ બ્રેકઅપ બાદ યુવતીનો આરોપી મંથન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. થોડા સમય પહેલા જૈનિશે પૂર્વ પ્રેમિકાને ઇન્સ્ટાગ્રામ પર રિકવેસ્ટ મોકલી હતી. જેની જાણ મંથનને થઈ હતી. આ બાબતને લઈને મંથનને ગુસ્સો અને અદાવત હતી.

આ બાબતે અગાઉ બંન્ને વચ્ચે કાંકરિયા ઈક્કા કલબ નજીક મારામારી પણ થઈ હતી. આ ઘટનાની સાથો સાથ અન્ય આરોપી ઉમેશ અને પ્રિન્સને રૂપિયાની જરૂર પણ હતી. જેથી પ્લાન મંથને મિત્રોની લૂંટ અને હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. આ પ્લાન મુજબ મંથને ફરવા જવાનું છે, તેમ કહીને જૈનિશને 8 જાન્યુઆરીના રોજ મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ મળીને રામોલના જામફળવાડી આવેલા કામધેનુ મેદાનમાં ત્રણેય આરોપીઓએ જૈનિશ પર હુમલો કરીને લૂંટ કરી ફરાર થઇ હતા.

નોંધનીય છે કે, ફક્ત ઇન્સ્ટાગ્રામ પર ફ્રેંડ રિકવેસ્ટ મોકલવાની સામાન્ય બાબતે આ પ્રકારે ઘાતકી હુમલો ખુબ જ ગંભીર બાબત છે. આ ઘટનામાં પકડાયેલા આરોપીને ગોમતીપુર પોલીસે રામોલ પોલીસને સોંપ્યા છે. રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે પૂછપરછ શરૂ કરી છે.