કમિશન આપવાની લાલચે કરોડોનું રોકાણ કરાવી કૌભાંડ, 2 આરોપીની ધરપકડ
મિહિર સોની, અમદાવાદઃ વધુ કમિશન આપવાની લાલચે કરોડો રૂપિયાનું રોકાણ કરાવીને કૌભાંડ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. EOWએ ઠગાઈ કરનારા 2 આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. સુરત અને અમદાવાદમાં કંપની ખોલીને કૌભાંડ આચર્યું છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર દિલ્હી અને દુબઈ હોવાનું સામે આવ્યું છે.
EOWની કસ્ટડીમાં જોવા મળતા આરોપી જીગર નિમાવત અને દિપક શાહે કમિશનની લાલચ આપીને 77 લાખનું કૌભાંડ આચર્યું છે. પકડાયેલા આરોપીએ Evergrow investor, iameg tours pvt ltd, IAM tours અને incom અરેન્જર માર્કેટ નામની કંપની શરૂ કરીને ઠગાઈ કરી હતી. આ આરોપીઓએ કંપનીમાં રોકાણ કરાવીને 4% કમિશનની લાલચ આપીને છેતરપિંડી આચરી હતી. આ કૌભાંડને લઈને બોગસ કંપની ખોલનારા MD હિરેન જોગાણી અને કેતન સોલંકી, ફાયનાન્સર મેનેજર દિપક શાહ, નેશનલ હેડ જીગર નિમાવત વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ 77.92 લાખની ઠગાઈ કરી હતી. ફરિયાદી તુષાર કથિરીયાએ EOWમાં ફરિયાદ કરી છે. જેમાં ત્રણ વ્યક્તિઓ પાસે લોભામણી લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. આરોપીએ રોકાણકારોને મૂડી કે વળતર નહીં ચૂકવીને ઠગાઈ કરી હતી. જેને લઈ પોલીસે જીગર અને દિપકની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ ડિસેમ્બર 2020માં નવરંગપુરામાં મલ્ટીલેવલ માર્કેટિંગના નામે કંપની ખોલીને રોકાણકારો કંપનીમાં રોકાણ કરાવીને 4 ટકા કમિશન ચૂકવવાનું જણાવીને ઓછામાં ઓછા 10,500નું રોકાણ કરાવતા હતા. જેમાં 500 રૂપિયા સર્વિસ ચાર્જ કાપીને એક યુનિટ એલોટ કરી તેના બદલે આઇડી જનરેટ કરાવીને રોકાણકારોને લોભામણી લાલચ આપીને રોકાણ કરાવતા હતા. આ ઉપરાંત રોકાણનું 4 ટકા કમિશન અને એક વર્ષ બાદ રોકાણના રૂપિયા પરત આપવાના બહાને ઠગાઈ આચરી હતી. પકડેલા આરોપી દિપક શાહે આસારામના પુત્ર નારાયણ સાંઈના જામીન માટે ખોટા ડોક્યુમનેટ બનાવ્યા હતા. જેને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત છેતરપિંડી કેસમાં ગોવા અને સુરતમાં પણ ગુના નોંધાયા છે. મહત્વનું છે કે, આ કેસના આરોપીઓ હોટલ, રિસોર્ટ તેમજ મોટી કંપનીઓમાં રોકાણ કરવાના બહાને લોકોને ટાર્ગેટ કરતા હતા.
આ કૌભાંડના માસ્ટર માઈન્ડ વોન્ટેડ આરોપી હિરેન જોગાણી દુબઈ છે અને કેતન સોલંકી દિલ્હીમાં હોવાનું સામે આવ્યું છે. જો કે, આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં પાંચ કરોડથી વધુનો આંકડો હોવાનું લાગી રહ્યું છે.