December 21, 2024

ગૌતમ ગંભીર બાદ ભાજપના જયંત સિન્હાએ રાજનીતિને કહ્યું અલવિદા

BJP Leader Jayant Sinha: હજારીબાગના સાંસદ જયંત સિન્હાએ ચૂંટણી જવાબદારીઓમાંથી મુક્તિની માંગ કરી છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે મેં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી સીધી ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરે. જેથી કરીને હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં આબોહવા પરિવર્તનનો સામનો કરવા પર અમારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રીત કરી શકું. નોંધનીય છે કે આ પહેલાં સાંસદ ગૌતમ ગંભીરે પણ આવી જ પોસ્ટ કરીને જેપી નડ્ડાને ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. ગૌતમ ગંભીરે પોસ્ટ કર્યાના થોડા કલાકો બાદ જયંત સિન્હાએ પણ પોસ્ટ કરીને આવી જ માંગ કરી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં જયંત સિન્હાએ લખ્યું છે કે, મેં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને મારા પ્રત્યક્ષ ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. જેથી કરીને હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે મારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરી શકુ. વધુમાં લખ્યું હું આર્થિક અને શાસન સંબંધિત મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. મને છેલ્લા દસ વર્ષથી ભારત અને હજારીબાગની જનતાની સેવા કરવાનો લહાવો મળ્યો છે. વધુમાં લખ્યું, ‘આ ઉપરાંત, મને વડાપ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી નેતૃત્ત્વ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ઘણી તકોનો આશીર્વાદ મળ્યો છે. તે બધાનો મારો હૃદયપૂર્વક આભાર. જય હિંદ.’

ગૌતમ ગંભીરે પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે
નોંધનીય છે કે આ પહેલાં સાંસદ ગૌતમ ગંભીરે પણ આવી પોસ્ટ કરીને જેપી નડ્ડાને ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. તેમની વિનંતીના થોડા કલાકો બાદ જયંત સિન્હાએ પણ પોસ્ટ કરીને આવી જ માંગ કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે હાલ તે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે અને રાજકીય જવાબદારીઓથી મુક્ત થવા માંગે છે. આ માટે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ વાત કરી છે.

ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની છે
ગૌતમ ગંભીર અને જયંત સિન્હાએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે ભાજપ લોકસભા ચૂંટણી માટે 100 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવાની તૈયારીમાં છે. એવી આશંકા છે કે દિલ્હીની 7 લોકસભા સીટો માટે જાહેર થનારી યાદીમાં ઘણા સાંસદોની ટિકિટ કપાઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ યાદીમાં ગૌતમ ગંભીરનું નામ પણ સામેલ હતું.