December 18, 2024

સુરતમાં મધરાતે એક યુવકને માથામાં બોથડ પદાર્થ મારી કરાઇ હત્યા

અમિત રૂપાપરા, સુરત: સુરતના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પાર્સલ ઓફિસની નજીક ગઈ મધરાતે એક યુવાનના માથામાં બોથડ પદાર્થમારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો ભેદ મહિધરપુરા પોલીસે ગણતરીની કલાકમાં ઉકેલી નાખ્યો છે. યુવકની હત્યા કરનાર બીજું કોઈને પણ મૃતક યુવાનની પત્ની અને તેનો પ્રેમી હોવાનું સામે આવ્યું છે. હાલ મહીધરપુરા પોલીસે આ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

સુરતના રેલ્વે સ્ટેશનની પાર્સલ ઓફિસ સુમુલ ડેરી રોડ પર મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં મધરાતે એક રીક્ષા ચાલક યુવકની ઘાતકી હત્યા થઈ હતી. લગભગ રાત્રીના અઢી વાગ્યાના સુમારે શેરૂ યાદવ નામના એક રીક્ષા ચાલક યુવકની હત્યા થઈ હતી. જોકે ઘટનાની જાણ થતા મહિધરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તરત જ મહિધરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ ઘટનામાં તપાસ દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો પોલીસ સમક્ષ આવી હતી. જેમાં ખાસ કરીને મૃતક શેરૂ યાદવની પત્ની મમતા સાથે તેને ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી અને આ માથાકૂટનું કારણ મમતાના અન્ય એક યુવક સાથેના આડા સંબંધ હોવાનું સામે આવ્યું હતું જો કે પોલીસે તુરંત જ એ દિશામાં તપાસ હાથ ધરી હતી અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે જે તપાસ ચાલી રહી હતી. CCTVમાં મૃતકની પત્ની એટલે કે મમતા યાદવ હત્યા કરીને કોઈ ટ્રેન મારફત વલસાડ જતી રહી હોવાની વિગતો મળી હતી.

બીજી બાજુ જે મમતાનો પ્રેમી છે એ સુરત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં જ હોવાની વિગતો સાપડી હતી. મહિધરપુરા પોલીસે તાબડતોબ જુદી જુદી ટીમો બનાવી બંનેને શોધી કાઢ્યા હતા અને બંનેની ધરપકડ કરી છે હાલ માહિધરપુરા પોલીસે મમતા યાદવ અને રામુ યાદવની ધરપકડ કરી છે. છેલ્લા છ મહિનાથી મમતા અને રામુ એકબીજાના પ્રેમ સંબંધમાં હોવાની વિગતો સામે આવી છે અને આ પ્રેમ સંબંધની જાણ મૃતક શેરૂ યાદવને થઈ ગઈ હતી. તેને લઈને બંને વચ્ચે એટલે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને માથાકૂટ થતી હતી એ ઝઘડા અને માથાકૂટને લઈને જ મમતા એ પોતાના પ્રેમી રામુ યાદવની સાથે મળીને પતિ શરૂ યાદવની ઘાતકી હત્યા કરી દીધી હતી.