October 24, 2024

રેલવેમાં મોબાઈલ ચોરી કરતો શખ્સ આખરે ઝડપાયો, ઉંમર માત્ર 18 વર્ષ

મિહિર સોની, અમદાવાદ: રેલ્વેમાં વધી રહેલી ચોરી ના બનાવોને રોકવા માટે રેલવે પોલીસે કવાયત હાથ ધરી હતી. જેમાં ચોરીના 11 મોબાઈલ સહિત સોના ચાંદીના દાગીના સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સગીર હતો ત્યારથી ચોરીને અંજામ આપતો હતો. પોલીસે 2.5 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી.

રેલવે પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ સાબીર ઉર્ફે રેહાન શેખ છે. જેની ઉંમર 18 વર્ષ 2 મહિના છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને રેલ્વે સ્ટેશન પર આવતા મુસાફરોની તપાસ કરતા આરોપી 11 મોબાઈલ સાથે પકડાયો હતો. આરોપીના ઘરની તપાસ કરતા સોના ચાંદીના દાગીના સહિત કુલ બે લાખ 50 હજારનો મુદ્દામાલ મળી આવ્યો છે. જે તમામ મુદ્દા માલ અલગ અલગ સમયે રેલવેમાં મુસાફરી દરમિયાન ચોરી કર્યો હોવાનું સામે આવ્યું. આરોપી નડિયાદ થી અમદાવાદ વચ્ચેની ટ્રેનમાં સફર કરતો અને ચોરીને અંજામ આપી કોઈ પણ સ્ટેશન પર ઉતરી જતો હતો.

રેલવે પોલીસે આરોપી અંગે તપાસ હાથ ધરી ત્યારે હકીકત સામે આવી કે આશરે એકાદ વર્ષ પહેલા જ્યારે તે સગીર હતો તે સમયે પણ તેના સહ આરોપી જયેશ સોલંકી અને નૂરજહાં દિવાન સાથે મળી ને અંજામ આપતો. અને ચોરીના મોબાઈલ એક સાથે અલગ અલગ માર્કેટમાં સસ્તા ભાવે વહેચી દેતો હતો. આજે પણ ચોરીના મોબાઈલ તે વેચે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો છે. જેમાં અમદાવાદ રેલવે અને નડિયાદ રેલવેના કુલ 11 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ પહેલા પણ આરોપી બે ચોરીના ગુનામાં ઝડપાયો હતો. મહત્વનું છે કે, ચોરીના મોટાભાગના ગુનાઓ છેલ્લા બે મહિનામાં જ તેને કર્યા હતા. આરોપી ટ્રેનની ટિકિટ ખરીદી ટ્રેનમાં પ્રવાસ કરતો અને ચોરીને અંજામ આપ્યા બાદ કોઈ પણ સ્ટેશનને ઉતરી જતો હતો.

 

ઝડપાયેલા આરોપી સાબીર શેખ મૂળ આણંદના બોરસદ નો વતની છે. જેથી ચોરીના મોબાઈલ કે આણંદ અથવા તેની આસપાસના વિસ્તારમાં વેચતો હોય તેવી પોલીસને શંકા છે. જેથી આ મોબાઈલ તેણે ક્યાં અને કોને વેચ્યા છે અને તેની સાથે કોણ કોણ સામેલ છે તેની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.