December 21, 2024

5 કરોડની લૂટ, બ્લેક મનીને વ્હાઇટ કરવાના ચક્કરમાં લૂંટાયો સુરતનો બિઝનેસમેન

અમિત રૂપાપરા, સુરત: સુરતમાં એક બિઝનેસમેન સાથે 5 કરોડ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે. એવું કહેવાય છે કે લોભીનું ધન હંમેશા ધુતારા ખાય છે અને આ કહેવતને સાચો કરતો કિસ્સો સુરતમાં આવ્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ નવયુગ સોસાયટી નજીક પરિવાર સાથે રહેતા હરીશભાઈ નામના વ્યક્તિ બ્લેકમનીને વ્હાઇટ કરવાના ચક્કરમાં લૂંટાયા.

હરીશભાઈ પાસે છેલ્લા છ મહિનાથી પાંચ કરોડ રૂપિયા બ્લેકના પડ્યા હતા અને આ પૈસા વ્હાઇટ કરવા માટે તેઓ વ્હાઇટની RTGS એન્ટ્રી માટે અલગ અલગ લોકોનો સંપર્ક કરતા હતા. ત્યારે થોડા દિવસો પહેલા જ મુંબઈના કેટલાક લોકો સાથે તેમનો સંપર્ક થયો હતો અને પાંચ કરોડ રોકડાની સામે પાંચ કરોડ રૂપિયાની RTGS એન્ટ્રી બાબતે બંનેની ડીલ થઈ હતી.

આ ડીલમાં વચેટીયા તરીકે શ્રીકાંત નામના વ્યક્તિની ભૂમિકા સામે આવી હતી. મુંબઈથી આવેલા લોકોએ હરીશભાઈનો સંપર્ક કર્યો અને તેમની પાસેથી રોકડા રૂપિયા લઈ પોતાની ઇનોવા ગાડીમાં મુકાવી દીધા. લૂંટ કરનાર એટલા ચાલાક હતા કે તે સીસીટીવી કેમેરામાં ન આવી જાય એટલા માટે હરીશભાઈના ઘર નજીક આવેલા રોડ પર પોતાની ઇનોવા કારમાં આ તમામ પૈસા મુકાવ્યા હતા. ત્યારબાદ હરીશભાઈની નજર ચૂકવી તેવું ઇનોવા ગાડી અને પૈસા લઈને ફરાર થઈ ગયા હતા.

તો બીજી તરફ આ ઘટનાને પગલે તાત્કાલિક હરીશભાઈ દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને રાંદેર પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત એસીપી અને ડીસીપી સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે વચેટીયો બિઝનેસમેન હરીશભાઈના ઘર નીચે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ઉપરાંત જે ગાડીમાં પૈસા લઈ જવામાં આવે છે તે કાર પણ રસ્તા પર લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

તો બીજી તરફ આ કેસમાં વળાંક આવ્યો છે કે વચેટીયા તરીકેની ભૂમિકા ભજવતા શ્રીકાંત નામના ઈસમ દ્વારા ટેલિફોનિક સંપર્કના માધ્યમથી એવી માહિતી આપી છે કે પૈસા લઈ જનાર લોકોએ તેને હાઇવે પર જ અધવચ્ચે ઉતારી દીધો છે. ત્યારે પોલીસ પણ હવે આ સમગ્ર કેસમાં શ્રીકાંત નામના ઈસમની રાહ જોઈ રહી છે કારણ કે શ્રીકાંત વજેટીયો હતો અને તે પૈસા લઈ જનાર વ્યક્તિઓને ઓળખતો હતો ત્યારે હાલ શ્રીકાંતની પૂછપરછ બાદ આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.