December 27, 2024

મોબાઈલ ચોરનું દેવું વધી જતાં ચોરી પોલીસની પિસ્તોલની ચોરી, ક્રાઇમ બ્રાન્ચે કરી આરોપીની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં ઈદના તહેવારને લઈને સમગ્ર સુરતમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે, સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંદોબસ્ત દરમિયાન કામગીરી કરતા ACP પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલની ચોરી થઈ ગઈ હતી. આ બાબતે નિલેશ પટેલ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નસીમ અન્સારી નામના ઈસમની ધરપકડ કરી છે. તેની પાસેથી એક પિસ્તોલ કબજે કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ ઈસમ અગાઉ મોબાઈલ ચોરી જેવા ગુનાઓને અંજામ આપતો હતો અને તેના પર દેવું વધી જતા મોટો ક્રાઇમ કરવા માટે તેને આ પિસ્તોલ ની ચોરી કરી હતી.

સુરત શહેર પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના તહેવારને લઈને સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 16 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદના તહેવારને લઈ પોલીસ જ્યારે બંદોબસ્તની કામગીરી કરતી હતી ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આંજણા ફામ મગદૂમ નગર રેલવે ગરનાળાની પાસે પીર અબ્દુલ નબી દરગાહ નજીક એસીપી જે. એ. પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલ ચોરી થઈ ગઈ હતી. 16 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ દરગાહની બહાર લોકોની ખૂબ ભીડ હતી. ત્યારે અજાણ્યા ઈશાન દ્વારા કમાન્ડો નિલેશ પટેલની કમર પર હોલેસ્ટરમાં રાખવામાં આવેલી કાળા કલરની 10 કારતુસ સાથેની પિસ્તોલ ચોરી કરી લેવામાં આવી હતી. આ ઘટનાને લઈને કમાન્ડોને માહિતી મળતા તેને તાત્કાલિક અસરથી આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

10 કારતુસ સાથેની પિસ્તોલ ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે લિંબાયત વિસ્તારમાં મજદા પાર્ક સોસાયટીમાં રહેતા નસીમ અખ્તર અન્સારી દ્વારા પિસ્તોલની ચોરી કરવામાં આવી છે. તેથી આ બાતમીના આધારે પોલીસે નસીમના ઘરે તપાસ કરી અને નસીબના ઘરના કબાટની અંદરથી પોલીસને 10 કારતુસ સાથેની આ પીસતોલ મળી આવી હતી. તેથી પોલીસે પિસ્તોલ સાથે નસીમની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પિસ્તોલ ચોરી કરવા બાબતે આરોપી નસીમની પૂછપરછ કરતા આરોપી દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે, છેલ્લા ઘણા સમયથી તે આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો અને આર્થિક તંગી દૂર કરવા માટે અને પૈસા કમાવા માટે આ પિસ્તોલની મદદથી કોઈ મોટો ગુનો આચરવાની ફીરાકમાં હતો. એટલા માટે તેને આ પિસ્તોલની ચોરી કરી હતી. હાલ પોલીસ દ્વારા એક કાળા કલરની પિસ્તોલ અને 10 કારતુસ જપ્ત કરવામાં આવ્યા છે. આ પિસ્તોલની કિંમત 1 લાખ રૂપિયા અને કારતુસની કિંમત 1,000 હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત છે કે આરોપી નસીમ અન્સારી સામે અગાઉ લીંબાયત પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીનો ગુનો પણ નોંધાયો છે અને સીઆરપીસીની કલમ 107 હેઠળ 5 વખત તેની સામે અટકાયતી પગલા પણ પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે.