December 30, 2024

સાબરકાંઠાનું અંબાજી એટલે ખેડબ્રહ્મા, અહીં માતાજીએ પ્રગટીને મહિષાસુરનો વધ કર્યો હોવાની માન્યતા

સાબરકાંઠાઃ જિલ્લાનું અંબાજી એટલે ખેડબ્રહ્મા. મહિષાસુરના વધ માટે મા અંબાએ અહીં સાક્ષાત્ પ્રગટ્યાં હોવાની માન્યતા છે. અહીંથી જ માતાજી ગબ્બર ગયા હતા અને ગબ્બરને નિવાસસ્થાન બનાવ્યું હતું. ત્યારે હાલમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના સ્થાનકે માથું નમાવવા અનેકો કિલોમીટરની પદયાત્રા કરી નાના અંબાજી આવી રહ્યા છે. અહીંથી દર્શન કર્યા બાદ મોટા અંબાજી પ્રયાણ કરે છે. આ ઉપરાંત અહીં ધજા ચડાવવાનો પણ અનેરો મહિમા છે.

સાબરકાંઠા જિલ્લાના માર્ગો હાલમાં જય અંબેના નાદથી ગૂંજી રહ્યા છે. હજારો સંઘ સાથે લાખો પદયાત્રીઓ માતાનાં ધામે ચાલતા જઈ રહ્યા છે. મા જગતજનનીનાં પાળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયે હૈયું દળાય એટલી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યો છે. એક વાયકા પ્રમાણે, આ જગ્યાએ જ માતાજીએ મહિષાસુરનો વધ

કર્યો હતો. મહિષાસુરના ત્રાસથી લોકોને બચાવવા માટે અહીં જ માતાજી પ્રગટ્યા હતા અને બાદમાં અહીંથી જ માતાજીની જ્યોત ગબ્બર લઈ જવામાં આવી હતી.

અહીં ભાદરવી પૂર્ણિમાના 10 દિવસ અગાઉથી જ ભક્તોના સંઘ આવવાના શરુ થઈ જાય છે. માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રનાં લોકો પણ મોટી સંખ્યામાં અહીં પદયાત્રા કરતા આવે છે. ત્યારે એક માન્યતા મુજબ, મોટા અંબાજી જતા પહેલાં અહીં દર્શન અચૂક કરવા પડે છે. નહીં તો માતાજીની માનતા અધૂરી જ રહે છે. વળી, અહીં ખેડબ્રહ્મામાં ધજા ચડાવવાનું પણ વિશેષ મહત્વ છે. હજારોની સંખ્યામાં લોકો અહીં ધજા ચડાવતા હોય છે. તો કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ માટે વહીવટી તંત્રે પણ પૂરતી તકેદારી રાખી છે. ખાસ તો અહીં ધજા ચઢાવવાનું અનેરું મહત્વ છે. જેથી ભક્તો મંદિર પ્રદક્ષિણા કરી જય અંબેના નાદ સાથે ધજા ચઢાવતા હોય છે.

માથે ગરબા લઈને તો ક્યારેક આળોટતા, કોઈ ધજાઓ સાથે વિવિધ સંઘ સાથે પણ અહીં શ્રદ્ધાળુઓ આકરી બાધાઓ લઈને આવે છે. માતાજીની કૃપાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. ખાસ કરીને સંતાનો માટે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. માતાજીની કૃપાથી તેમની ઈચ્છા પણ પૂરી જ થાય છે. તો કેટલાક લોકો તો બસ કોઈ જ માનતા નહીં પણ મનથી માનાં દર્શન કરવા માટે જ પગપાળા નીકળી જાય છે.

પાંચસો કિલોમીટરથી પણ વધુ અંતર કાપીને અહીં આવતા શ્રદ્ધાળુઓનો થાક માનાં દર્શન માત્રથી ઉતરી જાય છે. તો આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમથી ભરાતો ભાદરવી પૂર્ણિમાનો મેળો સાચા અર્થમાં શ્રદ્ધાનો મેળો બની જાય છે.