January 3, 2025

દિલ્હી-NCRમાં ભારે વરસાદ, ઉત્તરાખંડમાં 2 દિવસ માટે અપાયું રેડ એલર્ટ

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ત્યારથી મોટાભાગના રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. પૂર્વાંચલ અને પશ્ચિમ યુપીમાં ‘રેડ’ અને ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓ માટે ‘રેડ’ અને ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બરેલી, શાહજહાંપુર, ફરુખાબાદ, બિજનૌર, મુરાદાબાદ, રામપુર, મથુરા માટે બીજા દિવસે એટલે કે શુક્રવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ
હિમાચલ પ્રદેશના 12માંથી પાંચ જિલ્લામાં ગુરુવાર અને શુક્રવારે ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી માટે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે અને રાજ્યમાં 17 સપ્ટેમ્બર સુધી વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગે કહ્યું કે કિન્નૌર, સિરમૌર, સોલન, શિમલા અને બિલાસપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

હજુ થોડા દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે

રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં થોડા દિવસો સુધી ભારે અને અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. જયપુર સ્થિત હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, નીચા દબાણનું ક્ષેત્ર બુધવારે ફરીથી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને હાલમાં તે ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ પર છે અને આગામી 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે પણ વરસાદ માટે યલો એલર્ટ જાહેર

દિલ્હી NCRમાં અત્યારે વાતાવરણ સારુ રહેશે. છૂટો છવાયો ઝરમર વરસાદ પડશે. પરંતુ તેની સાથે હવામાન વિભાગે વરસાદ માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે. IMD અનુસાર હવામાન અચાનક બગડી શકે છે અને લોકોને મુશળધાર વરસાદનો સામનો કરવો પડી શકે છે.

બિહારમાં પણ પડી શકે છે ભારે વરસાદ!

12 થી 14 સપ્ટેમ્બર સુધી બિહારમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. બુધવારે પણ બિહારના કેટલાક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પશ્ચિમ મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી નજીક એક લો પ્રેશર વિસ્તાર રચાયો છે, જે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યો છે. તે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચવાની ધારણા છે. બિહારમાં શુક્રવારથી ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે.