December 19, 2024

સુરત-વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, બે કોમના ટોળા આમનેસામને; 17ની અટકાયત

ભરૂચઃ ગણેશપર્વ ચાલી રહ્યો છે, ત્યારે સુરત અને વડોદરા બાદ હવે ભરૂચમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કુકરવાડા વિસ્તારમાં બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને 17 લોકોની અટકાયત કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, ભરૂચના કુકરવાડા વિસ્તારમાં બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણ મામલે પોલીસે 17 લોકોની અટકાયત કરી છે. પોલીસે રાયોટીંગ અને મારામારી સહિતનો ગુનો દાખલ કર્યો છે અને તમામ મામલે કાયદેસરની કાયર્વાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસ પ્રમાણે, ધાર્મિક ઉત્સવમાં ઝંડા લગાવવા બાબતે ટોળા વચ્ચે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ મામલો બીચક્યો હતો. બંને કોમના ટોળા આમનેસામને આવી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસના ધાડેધાડાં ઉતારવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસ બંદોબસ્તને લઈને હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે.