September 21, 2024

રાજધાની દિલ્હીમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન! BJPના 7 ધારાસભ્યોએ કરી માગ

Delhi: રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. BJPના 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી છે. તમને જણાવી દઈએ કે 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ શાસન લગાવવા રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો. જે બાદ રાષ્ટ્રપતિએ ગૃહમંત્રાલયને આ અંગે જાણ કરી છે. ગૃહમંત્રાલયની લીલીઝંડી મળતાની સાથે જ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે.

મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીની સરકારને બર્ખાસ્ત કરવા માટે દિલ્હી બીજેપીના ધારાસભ્યોએ વિજેન્દર ગુપ્તાની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી મેમોરેન્ડમ સુપરત કર્યું. હવે રાષ્ટ્રપતિ સચિવાલયે ભાજપનું મેમોરેન્ડમ ગૃહ સચિવને મોકલ્યું છે કે દિલ્હી બંધારણીય સંકટનો સામનો કરી રહ્યું છે. સચિવાલયનું કહેવું છે કે આના પર યોગ્ય ધ્યાન આપવાની જરૂર છે. 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિ સાથેની બેઠક દરમિયાન ભાજપે દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી હતી અને દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેલમાં જવાથી ‘બંધારણીય સંકટ’ સર્જાયો છે.

એક અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિના સચિવાલયના નિર્દેશક શિવેન્દ્ર ચતુર્વેદીએ દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતાને લખેલા પત્રમાં કહ્યું છે કે, ‘આ પત્ર 30 ઓગસ્ટ, 2024 ના રોજ ભારતના રાષ્ટ્રપતિને લખેલા તમારા પત્રની પ્રાપ્તિનો સ્વીકાર કરે છે. જેના પર દિલ્હી વિધાનસભાના અન્ય સાત ધારાસભ્યો અને એક પૂર્વ ધારાસભ્યએ સંયુક્ત રીતે હસ્તાક્ષર કર્યા છે. તેને યોગ્ય ધ્યાન આપવા માટે ગૃહ મંત્રાલયના ગૃહ સચિવને મોકલવામાં આવ્યું છે. AAP સરકારે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો: ભાદરવી પૂનમના મેળાની તૈયારી વચ્ચે વહેલી સવારથી અંબાજીમાં ભારે વરસાદ 

મેમોરેન્ડમમાં ભાજપના ધારાસભ્યોએ કહ્યું કે સરકાર છઠ્ઠા દિલ્હી નાણાં પંચની રચના કરવામાં નિષ્ફળ રહી છે, જે એપ્રિલ 2021 થી પેન્ડિંગ છે. “આ અવગણના એ ભારતના બંધારણનું ગંભીર ઉલ્લંઘન છે અને શહેર માટે યોગ્ય નાણાકીય આયોજન અને સંસાધનોની ફાળવણીને ગંભીરપણે વિક્ષેપિત કરે છે. ખાસ કરીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને અસર કરે છે,” મેમોરેન્ડમમાં જણાવ્યું હતું. વધુમાં ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી સરકારે જાણી જોઈને કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં અવરોધ ઉભો કર્યો છે.

ભાજપ પર વળતો પ્રહાર કરતા AAPએ કહ્યું હતું કે સરકારને બરખાસ્ત કરવા માટે ભાજપ રાષ્ટ્રપતિ પાસે પહોંચે છે તે દર્શાવે છે કે તેમણે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર સ્વીકારી લીધી છે. પાર્ટીએ કહ્યું હતું કે, ‘ભાજપને બંધારણની પરવા નથી અને તે તેના પર વારંવાર પ્રહારો કરી રહી છે. જ્યાં પણ ભાજપ ચૂંટણી જીતી શકતું નથી ત્યાં રાજ્યની ચૂંટાયેલી સરકારના કામમાં ખલેલ પહોંચાડવાના એકમાત્ર હેતુ સાથે સમાંતર સરકાર ચલાવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ખોટું બોલી રહ્યા છે… અમને ઓફર કર્યા હતા પૈસા, પીડિતાની માતાનો મમતાને વળતો જવાબ