Banaskantha : છ વર્ષ બાદ ખેડૂતોની જીત, 60 દિવસમાં 11 કરોડ વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
વર્ષ 2018 માં બનાસકાંઠામાં દુષ્કાળને લીધે હજારો ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું હતું. નુકસાન બાદ ખેડૂતોએ વીમા કંપનીઓ પાસે વળતરની માંગ કરી હતી પરંતુ વીમા કંપનીઓની અવળચંડાઇને લીધે ખેડૂતોને કોર્ટના શરણે જવું પડ્યું હતું. સમગ્ર મામલે જિલ્લાના વાવ તાલુકાની 66 મંડળીઓએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી હતી. ત્યારે હવે છ વર્ષ બાદ જિલ્લા ગ્રાહક તકરાર કમિશને આ મામલે ખેડૂતોના પક્ષમાં નિર્ણય આપ્યો છે.
બનાસકાંઠામાં આજે પણ કેટલાક તાલુકાઓમાં પાણીના અભાવે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આવી જ ઘટના વર્ષ 2018 માં બની હતી. જેમાં જિલ્લાના હજારો ખેડૂતોને દુષ્કાળના પગલે પાકમાં મોટું નુકસાન થયું હતું. આ દરમિયાન અંદાજે 8 હજાર 762 ખેડૂતોને નુકસાન થયું હતું. ખેડૂતોએ પાકના વીમા લીધા હોવા છતાં વીમા કંપનીઓએ વળતર આપવાનો ઇનકાર કરતાં વાવ તાલુકાના ખેડૂતોએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી હતી. છ વર્ષ બાદ હવે ખેડૂતોના પક્ષમાં જિલ્લા તકરાર કમિશને કેસનો ચુકાદો આપ્યો છે. ચુકાદો આપતા કોર્ટે વીમા કંપનીઓને 60 દિવસમાં તમામ અસરગ્રસ્ત ખેડૂતોને વ્યાજ સાથે 11 કરોડ ચુકવવા આદેશ આપ્યો છે.આ પણ વાંચો : બનાસ નદીના પટમાં ગેરકાયદેસર ખોદકામ ઝડપાયુ, વિઝિલન્સે જીપીએસના આધારે માપણી શરૂ કરી
આટલા વર્ષો બાદ ખેડૂતોની વીમા કંપની સામે જીત થઈ છે અને થોડા જ સમયમાં ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર પણ મળી જશે. ઉલ્લેખનીય છે કે, વાવણીના સમયે ખેડૂત પાક વીમા માટે તેનું પ્રીમિયમ ભરતા હોય છે. પણ ઘણા કિસ્સાઓમાં વીમા કંપનીઓની મનમાનીને લીધે ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ત્યારે વાવ તાલુકાના ખેડૂતોમાં એવી માંગ ઉઠી છે કે હવે પછીથી આવી ઘટનાઓમાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે વીમા કંપનીઓ વળતર ચૂકવી દે તેવું સૂચારું આયોજન તંત્રએ કરવું જોઈએ જેથી ખેડૂતોને આવનાર ભવિષ્યમાં આવા ધરમ ધક્કા ન ખાવા પડે અને સમયસર વળતર મળી જાય.