January 3, 2025

જુનિયર્સ ડોક્ટર્સની હડતાળ, સ્ટાઇપેન્ડમાં 40 ટકાની માગણી

અમદાવાદઃ આજથી રાજ્યના જુનિયર ડોક્ટર્સ ફરી હડતાળ પર ઉતરવાના છે. સ્ટાઈપેન્ડમાં 20%ને બદલે 40% વધારાની માગણી કરવામાં આવી છે. આજે ફરજમાંથી અળગા રહી વિરોધ નોંધાવશે. રાજ્ય સરકારે સ્ટાઈપેન્ડમાં 20%નો વધારો કરી આપ્યો છે. પરંતુ જુનિયર ડોક્ટર્સ એસોસિએશને 40%ની માગણી કરી હતી. તો બીજી તરફ, રાજ્ય સરકારે તબીબોની હડતાળને ગેરવ્યાજબી ગણાવી છે.

રાજ્ય સરકારે કહ્યું છે કે, ‘દર્દીઓની સારવારના ભોગે આ નિર્ણય અમાનવીય છે. દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃતિ બિલકુલ સાંખી લેવાય તેમ નથી. રેસિડેન્ટ તબીબોને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપનાર રાજ્યોમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રેસર છે. ગુજરાતમાં ઇન્ટર્ન અને રેસિડન્ટ તબીબોને અપાતું સ્ટાઇપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. જ્યારે આ રેસિડન્ટ તબીબોને ભણાવતા પ્રોફેસરના પગાર ઉપર પણ ટેક્સ લાગે છે અને લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને 1 લાખથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20%નો વધારો કરીને 1,30,000 સુધી કર્યું છે.’

રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું છે કે, ’વધુમાં અન્ય રાજ્યોમાં 3 વર્ષના બોન્ડ છે, જેની સામે ગુજરાતમાં એક જ વર્ષના બોન્ડ છે અને આ ઇન્ટર્ન તેમજ રેસિડેન્ટ તબીબોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતાં વધુ રકમ સ્ટાઇપેન્ડ રુપે આ રેસિડેન્ટ તબીબોને આપવામાં આવે છે. ત્યારે રેસિડેન્સી તબીબોને ભણાવતા પ્રોફેસર કરતાં પણ વધુ સ્ટાઇપેન્ડ થાય તેવી આ રેસિડેન્ટ તબીબોની માંગણી સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે.’