January 3, 2025

મેઘરાજાએ ખમૈયા કર્યા તો ગુજરાતભરમાં શરૂ થયું રીસ્ટોરેશન અને સફાઇ અભિયાન

ગાંધીનગર: ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં વરસાદના વિરામ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશો મુજબ રીસ્ટોરેશન કામગીરી ઉપરાંત સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક મોરચે સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરી વેગવાન બનાવી દેવામાં આવી છે.

રાજ્યમાં રાહત બચાવની મુખ્ય કામગીરી:

  • કચ્છ જિલ્લામાં 366 જેટલી સગર્ભા બહેનોમાંથી 52 સગર્ભા બહેનોની પ્રસૂતિ તારીખ નજીક હોવાથી યોગ્ય કાળજી લઇ શકાય તે માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે.
  • વડોદરા શહેર-જિલ્લામાંથી પૂરના પાણી ઓસરતા જ સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાથમિકતા અપાઈ છે. વડોદરા શહેરમાં માર્ગો દુરસ્ત કરવા 224 મેટ્રીક ટન વેટ મિક્સથી ખાડા પૂરાયા છે. શહેરભરના રસ્તાઓ રિપેર કરવા 38 ટેક્ટરો, 42 ડમ્પરો સાથે 150 કર્મયોગીઓ દ્વારા થતી પૂરજોશમાં કામગીરી કરી રહ્યા છે.
  • કચ્છ જિલ્લાના માંડવી, અબડાસા, મુન્દ્રા અને ભુજ તાલુકામાં નીચાણવાળા તથા કાચા મકાન ધરાવતા 800 નાગરીકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. આ તમામ નાગરિકો માટે સામાજિક સંસ્થાઓની સહાયથી ફૂડ પેકેટ વિતરણ કરવા ઉપરાંત આરોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી છે.
  • કચ્છના માંડવી તાલુકામાં ભારે વરસાદના પગલે દરીયાકાંઠાના ગુંદીયાળી ગામ પાસે મરીન સોલ્ટ વર્કસમાં કામ કરતા બે મજૂરો ફસાયા હતા. વહીવટી તંત્ર તેમજ NDRFની ટીમે 3 કિ.મી દલદલમાં ચાલીને આ બંને મજૂરોને રેસ્કયુ કર્યા હતા.
  • કચ્છમાં ભુજ માંડવી રોડ, મુંદરા-કાંડાગરા રોડ, ભુજ-લખપત રોડ, નાના કપાયા, મુંદરા, ચિરઇ – લુણવા રોડ, માતાના મઢ રોડ, માંડવી, દયાપર રોડ, કોડાય જંકશન સહિતના રોડ પર વૃક્ષો ધરાશયી થતા તેમજ રોડને નુકશાન પહોંચતા તાત્કાલિક અસરથી વૃક્ષ દૂર કરાયા હતા તેમજ રોડ સમારકામ હાથ ધરીને વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે.
  • જામનગર શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બે સગર્ભા મહિલા સહિત 290થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તેમજ 1550 નાગરિકોનું સ્થળાંતર કરી તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડવામાં આવ્યું છે. સ્થળાંતરિત કરાયેલા નાગરીકોમાં 1.40 લાખ જેટલા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે.

વરસાદી પાણીના નિકાલ, સાફ-સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરીને અપાઈ પ્રાથમિકતા

  • વડોદરા શહેરમાં રોગચાળા અટકાયતની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ડોર ટુ ડોર સર્વે, મેડિકલ કેમ્પ, ફોગિંગ અને કલોરીનની ગોળીઓના વિતરણ માટે સઘન કામગીરી હાથ ધરાઇ છે. 46,280 જેટલા પરિવારોની ઘરે ઘરે જઈને આરોગ્ય તપાસ હાથ ધરાઇ છે.
  • વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોગ અટકાયત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એક જ દિવસમાં 239 ગામની કુલ 1.35 લાખની વસતીનું આરોગ્ય વિષયક સર્વેલન્સ કરવામાં આવ્યું છે.
  • સફાઈ બાદ જમીનને સેનેટાઈઝ અને હાઇજીન કરવા માટે મેલેથ્યોન અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ હોય છે. આ સાથે જ રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાનો પણ છંટકાવ કરાઈ રહ્યો છે.
  • કચ્છ જિલ્લામાં 345 મેડીકલ ટીમો અસરગ્રસ્ત વિસ્તારો જઈને આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે.
  • જામનગર શહેરમાં પણ વરસાદના વિરામ બાદ સફાઈકર્મીઓ દ્વારા 14 જેટલા જે.સી.બી. અને પ ટ્રેકટરની મદદથી નીચાણવાળા વિસ્તારોમાં કાદવ-કીચડ દૂર કરવા ઉપરાંત સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.
  • મોરબી જિલ્લાની નગરપાલિકાઓમાં પણ પાણી નિકાલ તેમજ સાફ-સફાઈ માટે ખાસ ટીમોની રચના કરીને તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ, રોગચાળો ફાટી ન નીકળે તે માટે મોરબી, ટંકારા, હળવદ, વાંકાનેર સહિત તમામ નગરપાલિકા વિસ્તારોમાં દવા છંટકાવ તેમજ ફોગીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
  • બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પછી ફેલાતા રોગચાળાને અટકાવવા 770 ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે.
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્યલક્ષી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ માટે 380 મેડીકલ ટીમ કાર્યરત છે. સાથે જ વાડી અથવા અન્ય દુર્ગમ વિસ્તારોમાં જઈ આરોગ્ય સેવાઓ આપવા માટે 18 મોબાઈલ મેડીકલ ટીમ સેવા આપી રહી છે. અત્યાર સુધીમાં આ ટીમો દ્વારા 2028 ઘરોની તપાસ કરવામાં આવી છે. જ્યારે, 16483 ક્લોરીનની ગોળીનું વિતરણ તેમજ 4232 ઓ.આર.એસ. પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.
  • દેવભૂમિ દ્વારકાના વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લીધેલા 944 નાગરિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે તેમજ તેમને 610 ક્લોરીન ગોળી અને 170 ઓ.આર.એસ. પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડાયાલીસીસનાં દર્દીઓ માટે જિલ્લા હોસ્પિટલમાં 24×7 ડાયાલીસીસ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે.
  • આ ઉપરાંત બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં, મહેસાણા નગરપાલિકામાં તેમજ પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત અનેક જિલ્લા-શહેરમાં તંત્રએ સફાઈ ઝુંબેશ, કલોરીનેશન, ફ્લોગિંગ સહિતની વિવિધ કામગીરી હાથ ધરી છે.