January 3, 2025

સુરતમાં BJP ધારાસભ્યનો લેટર બોમ્બ, લખ્યુ – શહેરમાં ખાડારાજ અને પાલિકા તંત્ર ઉંઘમાં

સુરતઃ વરાછાના બીજેપીના ધારાસભ્યનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. શહેરની જનતાને ખાડારાજના ત્રાસથી મુક્ત કરાવવા માટે પત્ર લખ્યો હતો અને શહેરીજનોને રાહત આપવા માટે પત્ર લખ્યો છે.

તેમણે શહેરના પાલિકા કમિશનરને પત્ર લખી ખાડારાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા માગ કરી છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી તંત્રના કાન આમળવાનો પ્રયાસ કર્યો છે.

કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, ‘લોકો સહન ન કરી શકે તેવા ત્રાસદાયક રસ્તાઓ છે. શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે. ટ્રાફિક સિગ્નલનું લોકો પાલન કરી રહ્યા છે. 60 સેકન્ડ માટે સિગ્નલ ખુલે પરંતુ ખાડાઓમાં લોકોના વાહનો ચાલી શકતા નથી. ખાડાઓમાંથી વાહનો નીકળે તે પહેલા તો સિગ્નલ બંધ થઈ જાય છે. ખાડાઓના કારણે ભારે ટ્રાફિકજામ ની સમસ્યા ઊભી થાય છે. જેના કારણે સિગ્નલનો હેતુ પણ રહેતો નથી.’

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ‘ખાડાઓનાં સામ્રાજ્યના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છતાં સુરત શહેરની નગરપાલિકા મૂર્છિત અવસ્થામાં છે. પાલિકાનું તંત્ર ઉંઘી રહ્યું છે અને તે ખૂબ દુઃખી બાબત છે. મારી માગણી છે કે, યુદ્ધના ધોરણે રસ્તાઓની રિપેરીંગ કામગીરી કરવામાં આવે’.