January 2, 2025

સુરતમાં માસિક 4 ટકા વળતરની લાલચ આપવાનું જણાવી છેતરપિંડી, આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં એવરગ્રો ઈન્વેસ્ટર તેમજ ઈમેજ ટૂર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી લોકોને આ કંપનીમાં પૈસા રોકવાથી માસિક 4 ટકા વળતર આપવામાં આવશે તેવી લાલચ આપી હતી. આ રીતે લોકો પાસેથી પૈસા લઈ છેતરપિંડી કરતા આરોપીને સુરત ઇકોસેલ દ્વારા ઝડપી પાડ્યો છે. આરોપી કંપનીમાં CMD તરીકે કાર્યભાર સંભાળતો હતો અને તેનું નામ કેતન હોવાનું સામે આવ્યું છે. આ કેતન સામે સુરત ઉપરાંત અમદાવાદમાં પણ ચાર ગુના નોંધાયા છે આ સમગ્ર મામલે હાલ ઇકોસેલ દ્વારા કેતનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મલ્ટિલેવલ માર્કેટિંગ કંપનીના નામ પર લોકો સાથે છેતરપિંડી થઈ હોવાના અનેક કિસ્સા સુરતમાં સામે આવે છે. ત્યારે આવો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં સુરત શહેરમાં મલ્ટિલેવલ માર્કેટિંગ કંપની ઉભી કરી આ કંપનીમાં પૈસાનું રોકાણ કરવાથી 4 ટકા લેખે માસિક કમિશન મળશે તેવી વાત રોકાણકારોને કરી 10,500નું રોકાણ કરાવડાવી લોકોને ચૂકવવાના થતા પૈસા ચૂકવ્યા નહોતા. કંપનીમાં લોકોએ આપેલા પૈસા અંગત હિત માટે વાપરીને કંપનીના સંચાલકો દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

આ બાબતે કંપનીના સંચાલકો સામે ગુનો દાખલ થયો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં હિરેન જોગાણી, કેતન સોલંકી, દીપક શાહ, મોહમ્મદ રીયાદ ઉર્ફે રાજુ ખાન નામના ઇસમો સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ બાબતે ઇકોનોમિક સેલને તપાસ સોંપવામાં આવી હતી. ઇકોસેલની તપાસ દરમિયાન કંપનીનો સીએમડી કેતનકુમાર સોલંકી કોસંબા હોવાની બાતમી મળતા ઇકોસેલ દ્વારા કેતનકુમાર સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ ઈસમ કંપનીના CMD તરીકે કાર્યભાર સંભાળતો હતો અને કંપનીમાં રોકાણકારોને લાવવાનું અને કંપની તેમજ તેની ટીમનું મેનેજમેન્ટ કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે કેતન સામે સુરત ઉપરાંત અમદાવાદમાં પણ ગુના દાખલ થયા છે અને ચાર ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે.