December 27, 2024

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, બગસરામાં સાડા ત્રણ ઇંચ વરસાદ

ગાંધીનગરઃ રાજ્ય પર એકસાથે બે સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 79 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલીના બગસરામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત ગાંધીનગરના દહેગામમાં બે કલાકમાં સવા 3 ઈંચ, ખેડાના નડિયાદમાં બે કલાકમાં 3 ઈંચ, નર્મદાના સાગબારામાં 3 ઈંચ વરસાદ અને ખેડાના મહુધામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો
વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. રામેશ્વરથી મેઘાણીનગર સુધીનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

છોટા ઉદેપુરની અશ્વિન નદીમાં ઘોડાપૂર
છોટા ઉદેપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે.વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસતા નસવાડી નજીકની અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત જિલ્લાની અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

અમરેલીમાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે ધારી ગીરના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને પગલે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ત્યારે ઉપરવાસના દલખાણીયા, સુખપુર, ગોવિંદપુર, ક્રાંગસા અને ચાચીપાણીયા સહીત ગામોમાં ભારે વરસાદ પડવાને પગલે નદીનાળાઓ છલકાયા હતા. શેત્રુંજી નદીમાં પૂર આવતા ખોડીયાર ડેમમાં નવા નીરની આવક થઈ હતી. ખેતીના મગફળી, કપાસ સહિતના પાકને પણ જીવનદાન મળ્યું હતું. ત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ થયા હતા.

નડિયાદમાં ત્રણ કલાકમાં 3 ઇંચ વરસાદ
નડિયાદ શહેરમાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ગરનાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. ગરનાળામાં પાણી ભરાતા વાહનવ્યવહાર પર અસર થઈ છે. મહાગુજરાત હોસ્પિટલ, વાણિયાવાડ સર્કલ, ઉતરસંડા રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે. રબારીવાસ વિસ્તારમાં પાણી ભરાતા હોસ્પિટલ આવતા જતા દર્દીઓને હાલાકીનો સામનો કરવાની ફરજ પડી છે.