December 15, 2024

ટૂંક સમયમાં યુક્રેન પહોંચશે PM નરેન્દ્ર મોદી, શું રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ થશે?

PM Narendra Modi Ukraine Visit: PM નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ યુક્રેન જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાતે આવેલા પીએમ મોદીએ કહ્યું છે કે તેઓ યુક્રેનના નેતા સાથે ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અંગે તેમના વિચારો શેર કરશે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 1991માં યુક્રેનને આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી યુક્રેનની ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે.

યુક્રેન માટે ટ્રેન દ્વારા મુસાફરી
પીએમ મોદીએ કહ્યું, “હું દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ નિરાકરણ પર મંતવ્યો શેર કરવા માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સંવાદને આગળ ધપાવવાની તકની રાહ જોઈ રહ્યો છું, અમે મિત્રો અને ભાગીદારો તરીકે અમે શાંતિની વહેલી વાપસીની રાહ જોઈ રહ્યા છીએ.”

‘આ યુદ્ધનો યુગ નથી’
નોંધનીય છે કે, ભારતે હજુ સુધી યુક્રેન પર રશિયન હુમલાની નિંદા કરી નથી અને તે વાતચીત અને રાજદ્વારી દ્વારા સંઘર્ષનું નિરાકરણ લાવવાનું આહ્વાન કરી રહ્યું છે. યુક્રેનની મુલાકાત પહેલા જ પીએમ મોદીએ પોલેન્ડમાં પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત અશાંત ક્ષેત્રમાં શાંતિનું સમર્થન કરે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે “આ યુદ્ધનો યુગ નથી” અને કોઈપણ સંઘર્ષને મુત્સદ્દીગીરી અને સંવાદ દ્વારા ઉકેલવા જોઈએ. તેમણે કહ્યું,“ભારત ભગવાન બુદ્ધની ભૂમિ છે. તેથી ભારત આ ક્ષેત્રમાં કાયમી શાંતિનો સમર્થક છે. અમારું વલણ એકદમ સ્પષ્ટ છે – આ યુદ્ધનો યુગ નથી. માનવતાને જોખમમાં મૂકતા પડકારો સામે એકજૂથ થવાનો આ સમય છે. તેથી ભારત મુત્સદ્દીગીરી અને સંવાદમાં વિશ્વાસ રાખે છે.”