December 12, 2024

લેહમાં ગમખ્વાર અકસ્માત: 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી સ્કૂલ બસ, 6 લોકોના મોત

Leh Accident: ગુરુવારે લેહના દુર્ગુક વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં એક સ્કૂલ બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં 6 લોકો માર્યા ગયા છે. તો, લગભગ 19 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતની માહિતી મળતાં જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. લેહના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે ઘાયલોને આર્મી અને CHC તાંગત્સે આરોગ્ય સેવા કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે.

લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા લોકો
બસમાં લગભગ 25 મુસાફરો સવાર હતા જેમાં 2 બાળકો અને 23 સ્કૂલ સ્ટાફ હતા. તમામ સ્કૂલ બસમાં શાળાના એક કર્મચારીના લગ્નમાં હાજરી આપવા માટે ડરબુક જઈ રહ્યા હતા. તે દરમિયાન દુર્બુક મોડ પાસે બસ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી.

આ પણ વાંચો: કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને કાશ્મીરની ચૂંટણી લડશે

રેસ્ક્યૂ ઓપરેશનમાં કામે લાગ્યા 3 હેલિકોપ્ટર
ઈજાગ્રસ્તોને લેહની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવા માટે વહીવટીતંત્રએ ત્રણ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. ભારતીય સેના, લદ્દાખ પોલીસ, મહેસૂલ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી, જેમણે સાથે મળીને ઘાયલોને આરોગ્ય સુવિધાઓ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.