December 22, 2024

મેડિકલ સ્ટોરમાં ચોરી કરતા આરોપીની ધરપકડ, એક વોન્ટેડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરના મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરી ચોરી કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. નર્સિંગનો અભ્યાસ કરેલો આરોપી માત્ર મેડિકલ સ્ટોરમાં જ ચોરી કરતો હતો. જેમાં અત્યાર સુધીમાં અનેક મેડિકલ સ્ટોરમાં ચોરી કરી ચૂક્યો છે.

પોલીસે આ મામલે યોગેશ પઢિયારની ધરપકડ કરી છે. આરોપી યોગેશ અને વોન્ટેડ આરોપી કેકે લુહારે ભેગા મળીને ફક્ત મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા હતા. ઝોન-1 LCB સ્કોર્ડ અને ઘાટલોડીયા પોલીસને એક માહિતી મળી હતી. જેના આધારે આરોપી યોગેશ પઢિયારની કાલુપુરથી ધરપકડ કરી તેની પાસે રહેલી એક ગાડી, એક મોબાઈલ ફોન અને રોકડ 8500 રૂપિયા કબજે કર્યા છે. ત્યારબાદ આરોપી યોગેશની પૂછપરછ કરતા 8 જેટલા મેડિકલ સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં નવરંગપુરા, વેજલપુર, નારણપુરા, રામોલ, ઘાટલોડીયા સહિતના વિસ્તારોમાં મેડિકલ સ્ટોરમા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

પકડાયેલા આરોપી યોગેશ પઢિયાર મૂળ પાલનપુરનો અને કાલુપુરના અંજતા ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. આરોપી યોગેશ નર્સિંગનો અભ્યાસ કર્યો છે. જેથી આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, મેડિકલ સ્ટોરમાં દરરોજના રોકડા નાણાંનો વ્યવહાર હોવાથી વધુ રોકડ પૈસા મળી રહે છે. જેથી મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરતા હતા. આરોપી યોગેશ અને વોન્ટેડ આરોપી કેકે લુહાર બંને પાલનપુરના વતની છે, પણ અમુક સમય અમદાવાદમાં રહેતા હતા. બંને આરોપી શહેરનાં અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે ગાડી લઈને મેડિકલ સ્ટોર પર રેકી કરતા હતા. સ્ટોરમાં માત્ર રોકડ પૈસાની ચોરીના અંજામ આપી ફરાર થઈ જતા હતા. એટલું જ નહીં, સીસીટીવી અને ડીવીઆર પણ ચોરી કરી લેતા હતા. જેથી સીસીટીવી ફૂટેજમાં ચોરીનો કોઈ બનાવ ન આવે. હાલ આરોપી યોગેશની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

પકડાયેલા આરોપીએ બે મહિનામાં 8 જેટલી મેડિકલ સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જો કે, અગાઉ આરોપી યોગેશ વિરુદ્ધ 10 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ બંને આરોપી માસ્ટર માઇન્ડ વોન્ટેડ આરોપી કેકે લુહાર હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે.