December 19, 2024

સુરતને ખાડી પૂરમુક્ત બનાવવા જાપાન મદદ કરશે, એકપણ રૂપિયો લેશે નહીં!

અમિત રુપાપરા, સુરતઃ ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે સુરતનું નામ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. પરંતુ સુરતમાં દર વર્ષે ખાડી પૂરની જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તેને લઈને સુરતના વિકાસ પર પણ ક્યાંક અસર થઈ રહી છે. ત્યારે સુરતને ખાડી પૂરની પરિસ્થિતિમાંથી મુક્ત કરાવવા માટે હવે સુરત મહાનગરપાલિકાની મદદ જાપાનની એજન્સી કરશે. જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીના નિષ્ણાતો એક પણ રૂપિયો લીધા વગર સુરત મહાનગરપાલિકાને ફ્લડ મિટિગેશન મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં મદદ કરશે.

સુરત શહેરમાં દર વર્ષે ચોમાસામાં ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ખાડી પૂરના કારણે ખાડી કિનારાની આસપાસ રહેતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે. ત્યારે ખાડી પૂરની આ પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરતને ખાડીપુરથી મુક્ત શહેર બનાવવા માટે ફ્લડ મિટિગેશન મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

મહત્વની વાત એ છે કે, આ પ્લાન તૈયાર કરવા માટે સુરત મહાનગરપાલિકાની મદદ જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીના નિષ્ણાંતો કરશે અને આ મદદ કરવા બદલ આ નિષ્ણાંતો કોઈ પણ પ્રકારનો ચાર્જ સુરત મહાનગરપાલિકા પાસેથી લેશે નહીં. હાલ થોડા દિવસો પહેલા જ સુરત શહેરમાં ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને અનેક લોકો આ ખાડી પૂરની પરિસ્થિતિના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ફરી વખત આ પ્રકારની ઘટના ન બને તે માટે આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ પ્રકારના પ્લાન બનાવવા માટે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી વિશ્વભરમાં પ્રખ્યાત છે અને આ એજન્સીના આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો હવે સુરતમાં ખાડી પૂરની પરિસ્થિતિ પાછળ કયા કારણો જવાબદાર છે તે તમામ બાબતો પર અભ્યાસ કરી એક પ્લાન તૈયાર કરશે. આ અભ્યાસમાં મુખ્યત્વે સુરતની તાપી નદી તેમજ ખાડીમાં કયા કારણોસર પૂરનું પાણી આવે છે અને આ પૂરને આવતા કઈ રીતે રોકી શકાય છે તે બાબતો પર અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ ફ્લડ મિટિગેશન મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે. સૌથી અગત્યની વાત તો એ છે કે, ઇન્ટરનેશનલ કક્ષાની જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી સુરત મહાનગરપાલિકાને આ પ્લાન તૈયાર કરવા માટે મદદ કરશે અને તેના બદલામાં એક પણ રૂપિયાનો ચાર્જ વસૂલ કરશે નહીં.

જાપાનની આ એજન્સી દ્વારા અગાઉ અનેક શહેરોના આ પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે અને હાલ જે રીતે સુરતનો વિકાસ થઈ રહ્યો છે અને આ વિકાસશીલ શહેરમાં ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે સુરતની છાપ કંઈક અલગ બની રહી છે અને તેને જ લઈને હવે જાપાનની આ એજન્સી સુરત મહાનગરપાલિકાને સુરતને પૂરથી કઈ રીતે મુક્ત કરી શકાય તે બાબતનો પ્લાન તૈયાર કરવામાં મદદ કરશે.

ખાડી પૂરની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સૌથી વધારે અસર સુરતના કુંભારીયા, સણીયા હેમાદ, લિંબાયત મીઠી ખાડી વિસ્તાર, ડુંભાલ અને પર્વત પાટિયાની આસપાસ રહેતા લોકોને થાય છે. ખાડીના પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી જાય છે અને તેના કારણે લોકોની ઘરવખરીને પણ નુકસાન થાય છે. ત્યારે થોડા દિવસ પહેલા જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ચાર દિવસ સુધી લોકોના ઘરોમાં ખાડીના પાણી જોવા મળ્યા હતા.

સુરત શહેરની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં ખાડીપુર આવવા માટેના ઘણા પાસા છે. જેમાંથી તાપી નદી સુરત શહેરની મધ્યમાંથી પસાર થાય છે. આ ઉપરાંત સુરતમાંથી અલગ અલગ ખાડીઓ પણ પસાર થાય છે. તો ઉકાઈ ડેમનો કેચમેન્ટ એરિયા પણ સુરતમાં છે એટલે ઉપરવાસમાં જો ભારે વરસાદ પડે તો તાપી નદીમાં પાણીના આવક વધી જાય છે. તો બીજી તરફ દરિયાકિનારો પણ સુરતની નજીક છે અને દરિયામાંથી જ્યારે ભરતી આવે છે ત્યારે આ ભરતીનું પાણી પણ તાપી નદીમાં અને ખાડીમાં આવતું હોય છે. એટલે આ તમામ બાબતો પણ સુરતમાં જે ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળ જવાબદાર માની શકાય છે.

સુરત શહેરને ખાડી પૂરની પરિસ્થિતિમાંથી મુક્ત કરવા માટે જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા એક બેઠક પણ કરવામાં આવી છે. આ બેઠકમાં મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા માટે એજન્સી દ્વારા સંમતિ દર્શાવવામાં આવી છે. ઇન્ટરનેશનલ કક્ષાના એજન્સીના નિષ્ણાંતો એક પણ રૂપિયો લીધા વગર મિટિગેશન પ્લાન તૈયાર કરવામાં સુરત મહાનગરપાલિકાની મદદ કરશે. તો આ બાબતે આગામી દિવસોમાં સ્થાયી સમિતિમાંથી એક દરખાસ્ત પણ પસાર કરવામાં આવશે અને આ દરખાસ્ત મંજુર થયા બાદ આ પ્લાન તૈયાર કરવા તરફ સુરત મહાનગરપાલિકા આગળ વધશે.