December 30, 2024

ભારતીય સેનામાં પહેલીવાર કોઈ મહિલાને મળી આ પોસ્ટ, કોણ છે સાધના સક્સેના

Indian Army: લેફ્ટનન્ટ જનરલ સાધના સક્સેના નાયર 1 ઓગસ્ટથી ડાયરેક્ટર જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ (આર્મી)નો પદભાર સંભાળશે. આ પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત થનાર તેઓ પ્રથમ મહિલા હશે. અગાઉ, તેઓએ એર માર્શલના હોદ્દા પર પ્રમોટ થયા બાદ હોસ્પિટલ સર્વિસીસ (આર્મ્ડ ફોર્સીસ)ના મહાનિર્દેશકનું પદ સંભાળનાર પ્રથમ મહિલા પણ બન્યા હતા.

જ્યારે ગત વર્ષે સાધના સક્સેના નાયરે હોસ્પિટલ સર્વિસીસ (આર્મ્ડ ફોર્સીસ)ના મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે એરફોર્સના અધિકારીઓએ કહ્યું હતું કે, “ભારતીય વાયુસેનાના અધિકારી એર માર્શલ સાધના સક્સેના નાયર અસરકારક રીતે સેવા આપનાર બીજા મહિલા અધિકારી છે જેમણે પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન વાયુસેનામાં જુદા-જુદા પદો પર સેવાઓ આપ્યા બાદ એર માર્શલના પદ સુધી પહોંચ્યા છે. ચાર્જ સંભાળતી વખતે એરફોર્સ ચીફ વી.આર. ચૌધરી પણ હાજર હતા.

1985માં આર્મી મેડિકલ કોર્પ્સમાં નિયુક્ત
લેફ્ટનન્ટ જનરલ સાધના નાયરે પોતાનું સ્કૂલ શિક્ષણ સેન્ટ મેરી કોન્વેન્ટ, પ્રયાગરાજથી શરૂ કર્યું હતું અને લખનૌના લોરેટો કોન્વેન્ટમાંથી પૂર્ણ કર્યું. આ દરમિયાન, તેઓ તેઝપુર, ગોરખપુર, કાનપુર અને ચંદીગઢની શાળાઓમાં પણ અભ્યાસ કર્યો હતો. તેઓએ એક પ્રતિષ્ઠિત એકેડમિક રેકોર્ડ સાથે આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ, પૂણેમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને ડિસેમ્બર 1985માં આર્મી મેડિકલ કોરમાં નિયુક્ત થયા. સાધના નાયર પાસે ફેમિલી મેડિસિન વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી છે. તેમણે એઈમ્સ, નવી દિલ્હી ખાતે મેડિકલ ઈન્ફોર્મેટિક્સમાં બે વર્ષનો તાલીમ કાર્યક્રમ પણ પૂર્ણ કર્યો છે.

વિશિષ્ઠ સેવા મેડલથી પણ સન્માનિત
લેફ્ટનન્ટ જનરલ સાધનાએ સીબીઆરએન (કેમિકલ, જૈવિક, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર) યુદ્ધ અને લશ્કરી તબીબી નીતિશાસ્ત્રની વિદેશમાં તાલીમ લીધી હતી. તેઓ વેસ્ટર્ન એર કમાન્ડ અને ટ્રેનિંગ કમાન્ડની પ્રથમ અને એકમાત્ર મહિલા ચીફ મેડિકલ ઓફિસર હતી. સાધનાને વિશિષ્ઠ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યો છે. તેમને એર સ્ટાફના વડા અને એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરફથી પણ પ્રશંસા મળી છે.