December 18, 2024

PMO, NIA અને CBIના નામે ફોન કરીને અનેક લોકો સાથે ઠગાઇ

મિહિર સોની, અમદાવાદ: PMO અધિકારી બનીને લોકો સાથે છેતરપિંડી કરતાં કિરણ પટેલનો કિસ્સો જગજાહેર છે. ત્યારે ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડાપ્રધાન કાર્યાલયના નામે ફોન કરીને લોકો સાથે છેતરપિંડી કરતાં શખ્સનો ખુલાસો થયો છે. આ શખ્સે અત્યારસુધીમાં જુદા જુદા લોકોને ફોન કરીને 18 હજારથી વધુની ઠગાઇ આચરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

PMO, NIA અને CBIના ઉચ્ચ અધિકારીની ઓળખ આપી છેતરપિંડી કરનાર ઠગ રૂપેશ દોશી વિરુધ્ધ કુલ બે ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમા નોંધાઈ છે. ઠગ રુપેશ દોશી અલગ અલગ એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપી પોતાના બનાવટી આઈ ડી કાર્ડ રજુ કરી છેતરપિંડી આચરતો હતો.

આરોપી રૂપેશ દોશી કોર્પોરેશનના ફુડ વિભાગના અધિકારી પાસેથી અલગ અલગ હોટલમાંથી જમવાનું મંગાવી રુપિયા 18 હજારથી વધુની છેતરપિંડી કરી હતી. તો બીજી તરફ અન્ય એક વ્યક્તિ સાથે પણ 20 હજારના રકમની છેતરપિંડી કરી છે. જેથી નકલી અધિકારી રુપેશ દોશી વિરુધ્ધ કુલ બે ફરિયાદો નોંધાઈ છે જે મામલે ક્રાઈમ બ્રાંચે તેની શોધખોળ કરી રહી છે. આરોપી મૂળ મુંબઈનો રહેવાસી છે અને ક્રાઇમ બ્રાન્ચ તેને પકડવા માટે શોધખોળ કરી રહી છે. ત્યારે, આરોપી ઝડપાયા બાદ શુ હકિકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે.