December 22, 2024

દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ફાટતા જળબંબાકાર જેવી સ્થિતિ

અમદાવાદઃ બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં કુલ 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દ્વારકા જિલ્લામાં 2 કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. તો સુરતના માંડવીમાં 2 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. તો વિસાવદરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.

સવારે 6 વાગ્યાથી વાત કરવામાં આવે તો, રાજ્યના 126 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં વરસ્યો છે. સવારથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં કલ્યાણપુર તાલુકામાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે. તો માણાવદરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વિસાવદરમાં સાડા પાંચ ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ વરસાદ, ગીર ગઢડામાં 5 ઈંચ વરસાદ, પલસાણામાં સાડા 4 ઈંચ વરસાદ પડ્યો છે.

કલ્યાણપુરમાં વહેલી સવારથી વરસાદી માહોલ
દ્વારકા જિલ્લામાં મેઘરાજાની લાંબી ઈનિંગ રમશે તેવું લાગી રહ્યું છે. વિરામ બાદ કલ્યાણપુર તાલુકામાં જામ રાવલમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. સવારમાં મેઘરાજાની પધરામણી થતા રસ્તામાં પાણી વહેતા થયા છે. જામ રાવલમાં સવારમાં જ મેઘરાજા આવી પહોંચ્યા છે. ધમાકેદાર વરસાદ ચાલુ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કલ્યાણપુરના જામરાવલ ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે. છેલ્લા બે કલાકમાં સાડા ચારથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ખેતરોમાં વાવેલો પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે.