January 2, 2025

ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત, દેવભૂમિ દ્વારકાના બાળકે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો

જામનગરઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે. ત્યારે વધુ એક બાળકનું આ વાયરસથી મોત નીપજ્યું છે. જામનગરમાં સારવાર લઈ રહેલા બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં સારવાર લઈ રહેલા દેવભૂમિ દ્વારકાના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે આજે વધુ 3 ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. ગઈકાલે બે કેસ નોંધાયા હતા. હાલ કુલ ચાર બાળદર્દી સારવાર હેઠળ છે. તેમાંથી બે બાળકોની હાલત ગંભીર છે.

શું છે ચાંદીપુરા વાયરસ?
આ વાયરસનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો આ વાયરસથી પ્રભાવિત છે. આ એક આરએનએ વાયરસ છે. એના સંક્રમણથી દર્દી મગજનો તાવ (એન્સેફ્લાઇટિસ)નો શિકાર થઈ જાય છે. આ વાયરસ મચ્છરો અને માખી જેવાં રોગવાહકોના કરડવાથી ફેલાય છે.

વાયરસ કોને સંક્રમિત કરી શકે છે?
ચાંદીપુરા વાયરસ બાળકોને શિકાર બનાવે છે. એ મુખ્ય રીતે 9 મહિનાથી 14 વર્ષ સુધીનાં બાળકોને પ્રભાવિત કરે છે. માખી કે મચ્છરના કરડવાથી સલાઇવાથી બ્લડમાં વાઈરસ પહોંચતાં એનું સંક્રમણ ફેલાય છે.

  • કેવી રીતે કરશો નિયંત્રણ?
    ચાંદીપુરા રોગની સારવારમાં પૌષ્ટિક આહાર લેવો અને વધુ માત્રામાં પાણી પીવું તેમજ પૂરતો આરામ કરવો જોઈએ.
  • મધ્ય ગુજરાત ચાંદીપુરા માટે એન્ડેમિક વિસ્તાર છે. સેન્ડફ્લાયની માત્રા વરસાદી ઋતુમાં વધુ રહે છે.
  • નિયંત્રણ માટે સઘન એક્ટિવ ફ્લાય સર્વેલન્સ તથા સ્પ્રેઈંગ કામગીરી કરવામાં આવે છે.
  • આરોગ્ય વિભાગના માધ્યમથી મેલેથિયો 5 ટકા પાઉડર દ્વારા ડસ્ટિંગ કામગીરી કરવામાં આવે છે.
  • આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે નિદાન, તમામ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.