January 3, 2025
ભારત વિરુદ્ધ પાંચ આંખો કઈ?
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

Fullstop : છેલ્લાં 10 વર્ષમાં આર્થિક રીતે મજબૂત થયું છે. ભારતની આ આર્થિક તાકાત જોઈને કેટલાક લોકો દુખી થઈ ગયા છે. તેમને આ વાત પચતી જ નથી. એટલા માટે જ તેઓ ભારતને આગળ વધતું રોકવા માટે કાવતરાં રચી રહ્યા છે. તેઓ નથી ઇચ્છતા કે, ભારત આત્મનિર્ભર બને.

આ આખો મામલો ફાઇવ આઇઝનો છે. આપણે ગુજરાતીમાં કહીએ તો પાંચ આંખો. પાંચ દેશોની આ પાંચ આંખ એટલે કે ઇન્ટેલિજન્સ એજન્સીઓ છે. આ ગ્રૂપમાં અમેરિકા, UK,ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા સામેલ છે. ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓ મજબૂત થઈ. આ જ વાત ફાઇવ આઇઝની આંખોમાં ખૂંચવા લાગી. દસ વર્ષ પહેલાં ભારત આ પાંચ દેશોની આગળ ઝૂકી જતું હતું. એટલે આ પાંચ દેશો મનમાની કરતા રહેતા હતા. 10 વર્ષથી આ સ્થિતિ બદલાઈ ગઈ. અબ, ભારત ઘર મેં ઘૂસકર મારતા હૈ.

PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ જ વાત અનેક વખત કહી. માત્ર ભાષણબાજી જ નહોતી. બલકે, આવા સ્ટેન્ડને સપોર્ટ આપતાં સમાચાર પણ આવવા લાગ્યા. વિદેશોની ધરતી પરથી એક પછી એક ભારતના દુશ્મનો ખલાસ થવા લાગ્યા. આવા દુશ્મનોમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પણ સામેલ છે. નિજ્જરની કેનેડાની ધરતી પર હત્યા કરવામાં આવી હતી. કેનેડાએ ગંભીર આરોપ મૂક્યો કે, આ હત્યામાં ભારત સરકારની સંડોવણી છે.એના પછી એવો જ આરોપ અમેરિકા તરફથી પણ મૂકવામાં આવ્યો. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાનો મામલો હતો. આ કેસમાં નિખિલ ગુપ્તા નામના એક ભારતીયની ધરપકડ પણ કરવામાં આવી. આ મામલે પણ ભારતના ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારી પર આરોપ મૂકવામાં આવ્યો.

અમેરિકા અને કેનેડાએ આરોપો મૂક્યા. ભારતે કહ્યું કે, પુરાવા આપો. આ દેશોની પાસે કોઈ નક્કર પુરાવો નથી. અલબત્ત અમેરિકા અને કેનેડાને રડતા જોઈને પાકિસ્તાન પણ રડવા લાગ્યું. પાકિસ્તાન કહેવા લાગ્યું કે, ભારત અમારા દેશમાં હત્યાઓ કરાવી રહ્યું છે. પાકિસ્તાનની પાસે પણ કોઈ પુરાવા નથી. અફઘાનિસ્તાનના તાલિબાનના જ લોકો પાકિસ્તાનમાં ભારતના દુશ્મન આતંકવાદીઓની હત્યા કરી રહ્યા છે. એ અલગ વાત છે કે, તાલિબાનો અને પાકિસ્તાન વચ્ચે જંગ ચાલી રહી છે અને તાલિબાનો ભારતનો સાથ ઇચ્છે છે.

ચોક્કસ જ ભારત તો પાકિસ્તાનને સાવ ન ગણકારે. મૂળ સમસ્યા અમેરિકા અને કેનેડાની છે. જેમને જોઈને ઓસ્ટ્રેલિયાના સૂર પણ બદલાયા. ભારતની વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા પણ જૂઠાણું ચલાવવા લાગ્યું. ઓસ્ટ્રેલિયાએ 2020માં ખોટા ન્યૂઝ ચલાવ્યા હતા. આ ફાઇવ આઇઝ ભારતની વિરુદ્ધના તેમના એજન્ડા માટે પશ્ચિમી મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. ઓસ્ટ્રેલિયાએ ખોટા ન્યૂઝ ચલાવ્યા કે, ભારતીય જાસૂસોના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

ઓસ્ટ્રેલિયાએ કેટલાક લોકોને પકડ્યા પણ ખરા. એવો દાવો પણ કર્યો કે, આ લોકો ઓસ્ટ્રેલિયાના સંવેદનશીલ સિક્યોરિટી પ્રોજેક્ટ્સની જાસૂસી કરતા હતા. આ ભારતીયો ઓસ્ટ્રેલિયાનાં ટ્રેડ સીક્રેટ્સની પણ ચોરી કરતા હોવાનો દાવો કર્યો. આ તમામ ખોટી કહાની હતી. હકીકતમાં ઓસ્ટ્રેલિયાએ જે લોકોને પકડ્યા હતા તેમનો જાસૂસીની સાથે કોઈ જ સંબંધ નહોતો. આ ભારતીયો ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા. તેમને ઓસ્ટ્રેલિયામાં રહેતા ખાલિસ્તાનીઓ અને પાકિસ્તાન સાથેની તેમની લિન્ક્સની જાણ થઈ હતી. ફાઇવ આઇઝ સંગઠન નહોતું ઇચ્છતું કે, ખાલિસ્તાન અને પાકિસ્તાનની લિન્ક્સની ભારતને જાણ થઈ જાય. એટલા માટે જ આ લોકોને પકડ્યા હતા. આ કેસમાં હજી સુધી ઓસ્ટ્રેલિયાએ ભારતને કોઈ જ પુરાવા આપ્યા નથી.

નિજ્જર અને પન્નુના કેસમાં પણ ભારતને કોઈ જ પુરાવા આપવામાં આવ્યા નથી. આમ છતાં પશ્ચિમી મીડિયામાં આ કેસોમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને RAWના ભૂતપૂર્વ ચીફ સેમંત ગોયેલનાં નામ લેવામાં આવ્યાં. પશ્ચિમી મીડિયા એવો પ્રચાર કરતું રહે છે કે, ફાઇવ આઇઝ દેશોમાં ડોભાલ અને ગોયેલે બ્લેક ઓપરેશન્સ ચલાવ્યા છે. એટલે કે, લોકોની હત્યાઓ કરાવી છે.

ડોભાલ અને ગોયેલે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ માટે ફોરેન ઇન્ટેલિજન્સ એજન્સીઓ સમક્ષ ઝૂકવાનું બંધ કર્યું છે. એટલે જ ફાઇવ આઇઝ સંગઠનને તેઓ આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. ફાઇવ આઇઝ એલાયન્સે નક્કી કર્યું છે કે, ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓ ખૂબ જ પાવરફુલ બની જાય એ પહેલાં જ એમને દબાવી દેવાની. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ ભલે ભારતની સાથે મિત્રતાની વાતો કરે છે, પરંતુ ફાઇવ આઇઝમાં સામેલ ઇન્ટેલિજન્સ એજન્સીઓના મોટા ભાગના અધિકારીઓ હજી ભારતને દુશ્મન સમજે છે. એનું પણ એક કારણ છે. આ પાંચ દેશોમાં ખાલિસ્તાનીઓને છૂટો દોર મળ્યો. એટલે ડોભાલ અને ગોયેલ આ પાંચ દેશો પર પ્રેશર કરવા લાગ્યા. તેઓ જ્યારે પણ આ પાંચ દેશોના ઇન્ટેલિજન્સ અધિકારીઓેને મળે ત્યારે તેમને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ એક્શન લેવા માટે પ્રેશર કરતા હતા. ડોભાલ અને ગોયેલ બંને આખાબોલા છે. દેશના હિતમાં બોલવામાં સહેજ પણ કોઈની શેહશરમ રાખતા નથી.

આ પાંચ દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓએ લોકસભાની ચૂંટણીના બરાબર પહેલાં જ કાવતરું રચ્યું. મીડિયાને હાથો બનાવીને નિજ્જર અને પન્નુના કેસમાં અપડેટ્સ આપવા લાગ્યા. આ રીતે તેઓ શીખોને BJPની વિરુદ્ધ ઉશ્કેરતા હતા. જેથી શીખો BJPને મત ના આપે. જોકે, એની રિવર્સ ઇફેક્ટ પણ થઈ છે. બલકે, ખૂદ PM મોદી જ કહેવા લાગ્યા કે, ઘર મેં ઘૂસકર મારેંગે.

માત્ર નિજ્જર અને પન્નુના કેસની વાત નથી. આ પાંચ દેશોમાં બેક ટુ બેક હત્યાઓ થઈ છે. ભારતની પાસે કોઈ છૂટકો પણ નથી. કાશ્મીરમાં આતંકવાદ વધ્યો તો બીજાં રાજ્યોમાં પણ હુમલા થવા લાગ્યા. એ જ રીતે પંજાબમાં ખાલિસ્તાનીઓ મજબૂત થાય તો બીજાં રાજ્યોમાં પણ ખાલિસ્તાનીઓના હુમલા થયા જ કરે. એટલા માટે જ વિદેશોમાં ખાલિસ્તાનીઓને સપોર્ટ આપનારાઓને ખલાસ કરવા જરૂરી થઈ જાય છે. અલબત્ત અમે તો ભારતના ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં જ વિશ્વાસ કરીએ છીએ કે, આ હત્યાઓમાં ભારતની કોઈ સંડોવણી નથી.

ભારતે આર્થિક પ્રગતિમાં UKને પાછળ છોડી દીધું. વળી, 2047 સુધીમાં ભારતને મહાસત્તા બનાવવાની વાતો પણ થઈ રહી છે. એટલે સ્વાભાવિક રીતે આ પાંચ દેશોને ભારતની પ્રગતિ ખૂંચે છે. ફાઇવ આઇઝના અધિકારીઓ અમેરિકન પ્રેસિડન્ટ બાઇડન પર ભારતની વિરુદ્ધ એક્શન લેવા માટે સતત પ્રેશર કરી રહ્યા છે.

આ પાંચ આંખો ભલે ભારતને ડરાવવાની કોશિશ કરે, પરંતુ વાસ્તવમાં ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓ ડરવાની નથી. એટલે જ કદાચ આગામી સમયમાં પણ વિદેશોમાં ભારતના દુશ્મનોના મોતના સમાચારો આપણે સાંભળવા મળી શકે છે. હવે, વાત આ પાંચ આંખોના ડર્ટી સિક્રેટ્સની.

અપરાધી જ્યારે કાયદાની વાત કરે ત્યારે તમે શું કહેશો ? અમે અમેરિકાની જ વાત કરી રહ્યા છીએ. અમેરિકા ભારતને કહે છે કે, તમે બીજાના ઘરોમાં ઘૂસીને કેમ મારો છો. હવે, અમેરિકાને કોણ સમજાવે કે, આ રીત તો તેમણે જ શીખવી છે.

અમેરિકાની એજન્સી CIAએ જ ભારતના પરમાણુ વિજ્ઞાની હોમી ભાભા સહિત અનેક ભારતીય પરમાણુ વિજ્ઞાનીઓની હત્યા કરાવી છે. વખતોવખત આવી વાત કહેવામાં આવી રહી છે. ભૂતપૂર્વ PM લાલ બહાદુર શાસ્ત્રીની હત્યામાં પણ CIAના એજન્ટ્સની જ સંડોવણી હોવાનો આરોપ મુકાતો રહ્યો છે. CIAએ ભારતમાં રહીને અનેક ભયાનક કાવતરા રચ્યા છે. હદ તો એ છે કે, ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી RAWમાં પણ CIAની ઘૂસણખોરી રહી છે. સ્વાભાવિક રીતે જેનો ખુલાસો થતાં જ ભારતે કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઓપરેશન્સ ચલાવ્યા. જેના કારણે પણ આ ઇન્ટેલિજન્સ એજન્સીઓને ભારતની સામે વાંધો છે. CIA દસ વર્ષ પહેલાં ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીમાં કેવી ઘૂસણખોરી કરતું હતું એનો આંખ ઉઘાડનારો કિસ્સો જાણવો જોઈએ.
(GFX)
વાત ભારતના એક જાસૂસની છે. જાસૂસ તરીકે કામ કરવાના ચોક્કસ કાયદા હોય છે. ઇન્ટેલિજન્સ એજન્સીમાં એક એજન્ટ બીજા એજન્ટની સાથે પોતાના કામ વિશે વાતચીત નથી કરતો. તે માત્ર પોતાના હેન્ડલરની સાથે જ વાત કરે. એ જ રીતે એક હેન્ડલર બીજા કોઈના એજન્ટની સાથે વાત ના કરી શકે. એટલે કે, એક રીતે પોતાના કામને સીક્રેટ રાખવાની શક્ય તમામ કોશિશ થાય છે. એટલે જ કોઈ વધારે જાણકારી મેળવે તો સ્વાભાવિક રીતે શંકા થાય. એજન્ટ ડબલ એજન્ટ બની જાય એવો ખતરો હોય છે. એટલે કે દુશ્મનની સાથે મળી શકે છે. આ સાચી કહાની 2003-04ની છે. ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી RAWમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે RAWની અંદર રહીને RAWની જાસૂસી કરનારને પકડવાનો હતો. RAWનો જાસૂસ હોવાથી સ્વાભાવિક રીતે સ્માર્ટ હોય. પોતાની જાસૂસી થઈ રહી હોવાનો તેને સહેજ પણ શંકા જાય તો રહસ્ય હંમેશા માટે દફનાઈ જવાનો ખતરો રહે છે. વાત રબિન્દર સિંહની છે. તેઓ RAWમાં સંયુક્ત સચિવ હતા. સ્વાભાવિક રીતે આટલા મોટા પદ પર રહેનારી વ્યક્તિ હંમેશા અલર્ટ રહે. રબિન્દર ડબલ એજન્ટ હોવાની શંકા થઈ. જેનું કારણ એ હતું કે, તેમને જરૂરી ના હોય એવી જાણકારી તેઓ પૂછી રહ્યા હતા. એટલે જ તેમના પર નજર રાખવામાં આવી. થોડા દિવસ નજર રાખવામાં આવી તો ખબર પડી કે, તેઓ દસ્તાવેજોની ફોટો કોપી ખૂબ કરાવે છે. રબિન્દરની પાછળ જાસૂસો ગોઠવવામાં આવ્યા. દર બે કલાકે જાસૂસ બદલાઈ જાય. જેથી રબિન્દરને શંકા ન થાય.

રબિન્દરની કેબિનમાં પંખામાં પણ છુપા કેમેરા મૂકવામાં આવ્યા. તરત જ RAWને પુરાવા મળવા લાગ્યા. રબિન્દર અનેક શંકાસ્પદ લોકોને મળી રહ્યા હતા. જોકે, RAWના અધિકારીઓ જાણવા આતુર હતા કે, તેમનો હેન્ડલર કોણ છે ? તપાસમાં જાણ થઈ કે, રબિન્દર સીરિયામાં પોસ્ટેડ હતા ત્યારે તેમની દીકરીને ગંભીર અકસ્માત થયો હતો. તેની સારવાર માટે અઢળક રૂપિયાની જરૂર હતી. એ સમયે CIAએ તેમનો સંપર્ક કર્યો હતો. વાસ્તવમાં 1998માં ભારત દ્વારા પરમાણુ પરીક્ષણ બાદ CIAના અધિકારીઓ ખૂબ એલર્ટ થઈ ગયા હતા. CIA ભારતની અંદરથી તમામ માહિતી મેળવવા ઇચ્છે છે. હવે, આ જ નેટવર્કને ડોભાલ અને ગોયેલે તોડી નાંખ્યું છે. એટલે જ ફાઇવ આઇઝ સંગઠન અકળાયું છે.

ફરી વાત રબિન્દરની કરીશું. CIAએ રબિન્દરને અઢળક રૂપિયા આપ્યા હતા. વિદેશથી ભારતમાં પાછા ફર્યા ત્યારે તેઓ ડબલ એજન્ટ બની ચૂક્યા હતા. 1982-83માં એક ક્લાર્કે ભારતના મિસાઇલ પ્રોગ્રામ વિશે સંવેદનશીલ માહિતી લીક કરી હતી. જોકે, રબિન્દર સિંહ તો ખાસ્સા ઊંચા પદે હતા. એટલે દેશને મોટું નુકસાન કરી શકે એમ હતા. એટલે જ નજર રાખવી જરૂર હતી. તેમના ઘરે ફળ અને શાકભાજી વેચનારા પણ RAWના એજન્ટ્સ હતા.

એક દિવસ RAWના અધિકારીઓને ખબર પડી કે, રબિન્દર સિંહ ઓફિસમાંથી અનેક દસ્તાવેજો બેગમાં ભરીને લઈ જઈ રહ્યા છે. તરત જ ઓફિસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. આદેશ આપવામાં આવ્યો કે, ઓફિસમાંથી ઘરે જઈ રહેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની તપાસ કરવામાં આવશે. રબિન્દરને સમજાઈ ગયું કે, તેમના પર RAWના અધિકારીઓને શંકા થઈ છે. એક એજન્ટની ભૂલના કારણે આખો મામલો રફેદફે થઈ ગયો. આ એજન્ટે વાતવાતમાં રબિન્દરને કહી દીધું કે, કદાચ આપણી એજન્સીમાં કોઈ ડબલ એજન્ટ છે અને બહું જલ્દી તે પકડાઈ જશે. સ્વાભાવિક રીતે રબિન્દર એલર્ટ થઈ ગયા. એટલે તેમની પાસેથી દસ્તાવેજો ના મળ્યા. RAWના અધિકારીઓ હતાશ થઈ ગયા. કેમ કે, તેમને રબિન્દરની વિરુદ્ધ કંઈ ના મળ્યું.

હવે, રબિન્દરને બચાવવા CIA મેદાને આવ્યું. રબિન્દરે વાત ફેલાવી કે, તેની તબિયત ખરાબ છે. એટલા માટે તે ઘરે જ છે. એક દિવસ ઓચિંતા તેઓ દિલ્હી જવા નીકળી ગયા. જોકે, તેમણે CIAની મદદથી અફવા ફેલાવી કે, તેઓ ચેન્નઈ તરફ ભાગી ગયા છે. RAWનું ધ્યાન દક્ષિણ ભારત પર ગયું. જોકે, CIAના એજન્ટ્સ રબિન્દરને UP બોર્ડરથી નેપાળમાં લઈ ગયા. રબિન્દરના સમગ્ર પરિવાર માટે CIAના એજન્ટ્સે નકલી ઓળખ પત્રક તેમજ અમેરિકન નાગરિકતાની વ્યવસ્થા કરી દીધી હતી. નેપાળ પહોંચ્યા બાદ રબિન્દરના પરિવારની સાથે કાઠમાંડુમાં અમેરિકન દુતાવાસનો અધિકારી હતો. એટલે નેપાળમાંથી અમેરિકા જતા કોઈએ તેમને ના રોક્યા.

રબિન્દર હવે અમેરિકા પહોંચી ગયા. જેના પછી તપાસમાં બહાર આવ્યું કે, તેઓ ઓફિસથી સીક્રેટ ડોક્યુમેન્ટ્સને ઘરે લઈ જતા હતા. CIA પાસેથી મળેલા હાઈ પાવર કેમેરાથી ફોટોગ્રાફ્સ ક્લિક કરતા હતા. એક હાર્ડ ડિસ્કમાં એને સ્ટોર કરતા હતા અને સિક્યોર મેઇલથી હેન્ડલરને મોકલતા હતા. બાદમાં હાર્ડ ડિસ્ક અને લેપટોપથી ફાઇલ ડિલીટ કરી દેવામાં આવી હતી. તેમણે આ રીતે 20 હજાર કાગળોને અમેરિકા મોકલ્યા હતા. રબિન્દર અમેરિકન એજન્ટ્સને મળવા માટે વારંવાર કાઠમંડુ જતા રહેતા હતા.

CIAએ રબિન્દર જેવા અનેક જાસૂસોને ભારતની એજન્સીઓમાં મૂક્યા હતા. CIA ખાસ કરીને મોરારજી દેસાઈ અને રાજીવ ગાંધી PM હતા ત્યારે ભારતમાં ખૂબ એક્ટિવ હતી. એ સમયે આ અમેરિકન એજન્સીએ ભારતના કેટલાક પત્રકારોનો પોતાના એજન્ડા માટે ઉપયોગ કર્યો હતો. કેટલાક અખબારોને CIAએ પ્રિન્ટિંગ મશીન પણ પૂરા પાડ્યા હોવાનો આરોપ છે.

ભારતમાં CIAના એજન્ટ્સની સક્રિયતાનો ખ્યાલ એક હકીકતથી સારી રીતે આવે છે. 1991માં ભૂતપૂર્વ PM રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. જેના પાંચ વર્ષ પહેલાં જ CIAના એજન્ટ્સે એ મામલે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. 23 પેજના આ રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે, જો રાજીવ ગાંધીની હત્યા થઈ જાય કે પછી તેઓ રાજનીતિમાંથી વિદાય લે ત્યારે ભારતમાં શું થશે. જેના કારણે જ રાજીવ ગાંધીની હત્યામાં CIAના એજન્ટ્સની સંડોવણીનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.

CIAએ ભારતની વિરુદ્ધ રચેલા કાવતરાઓનું લિસ્ટ ખાસ્સું લાંબુ છે. હવે ભારત પોતાના હિતની વાત કરે છે ત્યારે CIA અને ફાઇવ આઇઝમાં સામેલ અન્ય દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીઓને વાંધો પડ્યો છે. જ્યાં સુધી ડોભાલ જેવા અધિકારીઓ છે ત્યાં સુધી ચોક્કસ જ ભારત ડર્યા વિના ફાઇવ આઇઝની સાથે આંખથી આંખ મીલાવીને વાત કરશે. હવે, અમે તમને જણાવીશું કે, આ ફાઇવ આઇઝ સંગઠનની ક્યારે અને કેવી રીતે રચના થઈ અને એ કેવી રીતે કામ કરે છે.

દરેક દેશની પોતાની ઇન્ટેલિજન્સ એજન્સી હોય છે. જેમ કે, અમેરિકાની CIA, ભારતની RAW અને ઇઝરાયલની મોસાદ. આ ત્રણ એજન્સીઓનો આખી દુનિયામાં પ્રભાવ છે. આ એજન્સીઓના એજન્ટ્સનું કામ માત્ર જાસૂસી કરવાનું નથી. બલકે, તેઓ ખતરનાક મિશનને પણ પાર પાડે છે. વિદેશની ધરતી પરથી દેશના દુશ્મનોનો સફાયો બોલાવે છે. આમ છતાં પણ જાસૂસોની આંખ નીચે અનેક દુર્ઘટના થઈ જાય છે. જેના પર કાબૂ મેળવવા માટે દુનિયાના સૌથી પાવરફુલ દેશોએ મળીને એક ગ્રૂપ બનાવ્યું. આ ગ્રૂપ છે ફાઇવ આઇઝ.

આ ગ્રૂપમાં સામેલ અમેરિકા, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે એક કરાર કર્યો છે. આ કરાર મુજબ આ પાંચ દેશોમાંથી કોઈ એક દેશમાં શંકાસ્પદ એક્ટિવિટી થાય તો એણે બીજા ચાર દેશોને એની જાણકારી આપવી પડે છે. કોઈ પણ દેશ માટે ખતરો થાય એવી એક્ટિવિટીની જાણ તરત જ કરવાની રહે છે. આ ગ્રૂપમાં આ પાંચ દેશોની કુલ 20 ઇન્ટેલિજન્સ એજન્સીઓ કામ કરે છે.

હવે, સવાલ એ છે કે, આ ગ્રૂપની રચના ક્યારે અને શા માટે થઈ ? વાત બીજા વિશ્વ યુદ્ધ બાદના સમયગાળાની છે. રશિયાની જાસૂસી કરવા માટે અમેરિકા અને બ્રિટને હાથ મીલાવ્યા. બાદમાં કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ એ ગ્રૂપમાં સામેલ થઈ ગયા. આ પાંચેય દેશોની ઇકોનોમી મજબૂત છે.

આ ગ્રૂપ કેવી રીતે કામ કરે છે એ જાણવું પણ જરૂરી છે. સ્વાભાવિક રીતે આ ગ્રૂપની એક્ટિવિટીઝ સીક્રેટ જ રાખવામાં આવી હતી. જોકે, 2020માં કેનેડાના એક ઇન્ટેલિજન્સ ઓફિસરે કેનેડાની સરકારના મિલિટરી જર્નલમાં એક લખાણ લખ્યું હતું. જેનાથી ખ્યાલ આવે છે કે, આ ગ્રૂપમાં સામેલ દેશો માટે વિસ્તારો વહેંચી દેવામાં આવ્યા છે. એટલે કે, એક દેશે અમુક વિસ્તારોની જ જાસૂસી કરવાની હોય છે.

અમેરિકા દ્વારા રશિયા, ઉત્તર ચીન, લેટિન અમેરિકા અને મોટા ભાગના એશિયાની જાસૂસી કરવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં થતી દરેક શંકાસ્પદ એક્ટિવિટીઝની જાણકારી મેળવવાની જવાબદારી અમેરિકાના જાસૂસોની છે.
ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ ચીન તેમજ ઇન્ડોનેશિયા જેવા એના પાડોશી દેશો પર ધ્યાન આપવાનું છે.
બ્રિટન સમગ્ર આફ્રિકા તેમજ ભૂતકાળમાં સોવિયત સંઘમાં સામેલ રહી ચૂકેલા દેશો પર નજર રાખી રહ્યું છે.
ન્યૂઝીલેન્ડ પશ્ચિમ પ્રશાંત ક્ષેત્ર પર નજર રાખે છે. જેમાં નાના-મોટા અનેક દેશો છે.
કેનેડાનું કામ રશિયાના ધ્રુવીય ભાગની જાસૂસી કરવાનું છે.

પાંચ દેશોના નેટવર્ક બાદ એમાં બીજા અનેક દેશો જોડાતા ગયા. નાઇન-આઇઝ નામનું ગ્રૂપ પણ રચાયું. જેમાં ફાઇવ આઇઝના દેશો સિવાય ફ્રાન્સ, ડેન્માર્ક, નોર્વે અને નેધરલેન્ડ્સ સામેલ છે. જેના પછી 14 આઇઝ ગ્રૂપ પણ છે. એટલે કે 14 દેશો જાસૂસીમાં એકબીજાને મદદ કરે છે. જેમાં નાઇન આઇઝમાં સામેલ દેશો સિવાય જર્મની, બેલ્જિયમ, ઇટાલી, સ્પેન અને સ્વીડન સામેલ છે. જોકે, ફાઇવ આઇઝ સંગઠન ખૂબ જ મજબૂત છે. જે એકદમ નિકટતાથી કામ કરે છે. એટલે કે, ધારો કે અમેરિકાને કોઈ દેશની જાણકારી મળી તો તે ફાઇવ આઇઝમાં સામેલ દેશોને તો અચૂક આપે, પરંતુ જરૂરી નથી કે, એ તમામ અપડેટ્સ એ 9 આઇઝ કે 14 આઇઝ ગ્રૂપમાં સામેલ દેશોને પણ આપે. અલબત્ત વૈશ્વિક ખતરાની વાત હોય તો ચોક્કસ માહિતી શેર કરવામાં આવે છે.

આ તમામ ઇન્ટેલિજન્સ એજન્સીઓ સ્વાભાવિક રીતે દેશની આર્મી, પરમાણુ પ્લાન્ટ્સ અને પરમાણુ વિજ્ઞાનીઓની તો જાસૂસી કરે જ છે. જોકે, આ એજન્સીઓ તમારી પણ જાસૂસી કરે છે. સામાન્ય લોકોના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ એટલે કે ઇમેઇલ, ફોન કોલ્સ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ પર પણ આ એજન્સીઓના જાસૂસો નજર રાખે છે. લોકો ઓનલાઇન કેવા પ્રકારનું શોપિંગ કરે છે, દેશોમાં વિદ્યાર્થીઓ કયા વિષયો વધુ ભણી રહ્યા છે એની પણ જાણકારી મેળવવામાં આવે છે. આ જ કારણસર જુદા-જુદા દેશોના માનવ અધિકારો માટે લડતા એક્ટિવિસ્ટ્સ ફાઇવ આઇઝનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે, આ ગ્રૂપ લોકોની પ્રાઇવસીનો ભંગ કરે છે.

જોકે, જાસૂસીની દુનિયામાં દેશના હિતથી વિશેષ કશું જ નથી હોતું. વાત જાસૂસીની છે તો ડ્યૂટી ટુ વોર્ન પોલિસી વિશે પણ તમારે જાણવું જોઈએ. આ કોઈ કોન્ટ્રેક્ટ નથી, પરંતુ એક નૈતિક જવાબદારી છે. જો કોઈ દેશને બીજા દેશમાં હુમલાના કાવતરા વિશે જાણકારી મળે તો એ દેશે એ માહિતી આપવી પડે છે. અમેરિકા અને રશિયા ભલે એકબીજાના કટ્ટર દુશ્મન છે, પરંતુ અમેરિકાએ તાજેતરમાં અનેક વખત આતંકવાદી હુમલા વિશે રશિયાને ચેતવ્યું હતું. આમ છતાં રશિયા પોતાની ધરતી પર બેક ટુ બેક આતંકવાદી હુમલાઓને રોકી ના શક્યું.

જાસૂસોની દુનિયા રોમાંચ અને ખતરાઓથી ભરપૂર છે. ભારતના જાસૂસો પણ પોતાના જીવના જોખમે દેશના હિતમાં દુનિયાભરમાં પોતાની ફરજ બજાવે છે. અમે ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓ માટે કામ કરનારી દરેક વ્યક્તિને સલામ કરીએ છીએ.
ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ, નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો.