January 3, 2025

સુરતમાં 7 લોકોનો ભોગ લેનાર બિલ્ડિંગનો માલિક અમેરિકામાં, માતા ફરાર

અમિત રૂપાપરા, સુરત: સુરતના સચિન GIDC વિસ્તારના પાલી ગામમાં 6 માળનું મકાન ધરાસાઈ થવાની ઘટનામાં સાત લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈને સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા BNSની કલમ 105 અને 54 હેઠળ ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મકાનમાલિક માતા-પુત્ર અને અન્ય અશ્વિન વેકરીયા નામના વ્યક્તિનો સમાવેશ થાય છે. હાલ પોલીસે અશ્વિન વેકરીયાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. તો મકાન માલિક રાજ અમેરિકા હોવાનું સામે આવ્યું છે અને તેના માતા રમીલાબેનનો કોઈ પતો હજુ સુધી પોલીસને લાગ્યો નથી. તો આ ઘટના બન્યાના એક દિવસ પહેલા જ બિલ્ડિંગનો પીલર તૂટવાની ઘટના સામે આવી હતી પરંતુ સ્થાનિક લોકોએ આ ઘટનાને સામાન્ય માનીને તેઓએ મકાન ખાલી ન કરતા બીજા દિવસે આ દુર્ઘટના બની હતી.

સુરતના સચીન જીઆઇડીસીના પાલી ગામમાં 6 માળનું બિલ્ડિંગ ધરાસાઈ થવાની ઘટનામાં 7 લોકોના મોત થયા છે. આ સાત લોકોમાંથી 5 લોકો એક જ રૂમમાં હોવાનું સામે આવ્યું છે. જેમાં શિવ પુજન કેવટ અને પ્રવેશ કેવટ બંને સગા ભાઈ હતા. બંને ભાઈ મધ્યપ્રદેશના સીધી જિલ્લાના ડિયાડોલ ગામના રહેવાસી હતા. પ્રવેશ કેવટ પરિણીત હતો અને પરિવારમાં પત્ની અને છ મહિનાની દીકરી છે. ઉપરાંત લાલજી કેવટ અને હીરામણી કેવટ બંને સગા ભાઈઓ હતા. આ બંને ભાઈ મધ્યપ્રદેશના સીધી જિલ્લાના પરાશી ગામના વતની હતા. લાલજી કેવટ અને હીરામણી કેવટ બંને પરિણીત હતા અને તેમનો પરિવાર વતનમાં જ રહેતો હતો. લાલજીને પરિવારમાં એક પત્ની અને ત્રણ સંતાન હતા. જેમાં બે દીકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે. તો હીરામણીને પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો હતા એમાં બે દીકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે. બંને ભાઈઓ સુરતમાં ધાગા બનાવવાનું કામ કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તો અભિલાષ કેવટ મધ્યપ્રદેશના સીધી જિલ્લાના ડાંગીમજોલી ગામનો રહેવાસી હતો અને તેનો પરિવાર પણ વતનમાં રહેતો હતો અભિલાષને પરિવારમાં પત્ની અને બે બાળકો હતા.

આ પણ વાંચો: યાત્રાધામ શામળાજી ખાતે શામળિયાની રથયાત્રા નીકળી

તો બ્રિજેશ ગોડ નામના વ્યક્તિનું પણ આ ઘટનામાં મોત થયું છે અને તે ઉત્તરપ્રદેશના પરસિયાખાપ ગામનો રહેવાથી છે. બ્રિજેશને બે પત્ની છે અને છ સંતાન છે. એક પત્ની વતનમાં રહે છે તેનું નામ સુનિતા દેવી છે અને તેને ત્રણ સંતાનો છે. જેમાં બે દીકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે. તો બીજી પત્ની રાધા દેવી સુરતમાં રહે છે અને તેને પણ ત્રણ સંતાનો છે. જેમાં બે દીકરી અને એક દીકરાનો સમાવેશ થાય છે. રાધા દેવી અને બ્રિજેશ અંદાજે તો દોઢથી બે મહિનાથી મકાનમાં રહેવા માટે આવ્યા હતા અને તે રૂમનું ભાડું 3,000 ચૂકવતા હતા.

ઘટનામાં 17 વર્ષીય સાહિલ ઉર્ફે અનમોલ હરિજનનો પણ મોત થયું છે. સાહિલ આ બિલ્ડીંગમાં તેના ભાઈ સાથે અને અન્ય મિત્રો સાથે રહેતો હતો અને તમામ 4000 રૂપિયા એક રુમનું ભાડું ચૂકવતા હતા. ઉત્તર પ્રદેશના અયોધ્યાનું ધૌરાહરાનો રહેવાસી હતો. સાહિલ 3 વર્ષથી સુરતમાં રહેતો હતો. શુભમ ચમાર તેના ભાઈ સાથે અને અન્ય મિત્રો સાથે રૂમમાં રહેતો હતો. સાહિલ તેના મોટાભાઈ સાથે રહેવા માટે આવ્યો હતો અને ઘરે એકલો હતો. તે સમયે આ ઘટના બની અને ત્યારબાદ શુભમને કોઈ વ્યક્તિએ ફોન કરીને આ બાબતે માહિતી આપતા શુભમ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. શુભમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બિલ્ડીંગમાં એક દિવસ પહેલા જ પીલોર તૂટવાનો અવાજ આવ્યો હતો અને આ બાબતે આજુબાજુના લોકોને માહિતી આપવામાં આવી હતી પરંતુ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ વસ્તુ મારીને પિલર તોડવામાં આવ્યો છે અને આ વાતને તેમને અવગણી હતી અને આ સમગ્ર ઘટના બીજા દિવસે સામે આવી હતી.

આ પણ વાંચો: યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી

6 જુલાઈ 2024ના રોજ બપોરે અઢી વાગ્યા આસપાસ બનેલી ઘટનાને લઈને સચિન GIDC પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ બિલ્ડીંગના કાટમાળમાંથી જે સાત મૃતદેહ નીકળ્યા હતા તેને પોસ્ટમોર્ટમ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટના ક્રિમીનલ કેસની હોવાના કારણે સચિન GIDC પોલીસ સ્ટેશનના PSI પટેલ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. BNSની કલમ 105 અને 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 3 ઈસમો સામે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં રાજ રસિકભાઈ કાકડીયા, રમીલાબેન રસિકભાઈ કાકડીયા અને અશ્વિન વેકરિયાનો સમાવેશ થાય છે. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા અશ્વિન વેકરિયાની અટકાયત કરી તેની પૂછપરછ હાથધરવામાં આવી છે. આરોપી રાજ કાકડીયા અને તેમના માતા રમીલાબેન કકડીયાની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે રાજ અમેરિકા છે અને તેના માતા રમીલાબેનનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી.

મહત્વની વાત છે કે સુરત શહેરમાં આ પ્રકારના અનેક રીત મકાનો છે. ત્રણ દિવસ પહેલા જ સુરતના ભાગળ વિસ્તારમાં બે મકાન ધરાસાઈ થવાની ઘટના બની હતી અને હવે સચિનના પાલી ગામમાં આ છ માળનું મકાન ધરાસાઈ થવાની ઘટના સામે આવી છે અને તેમાં 7 લોકોના મોત થયા છે. ત્યારે હવે SMC દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહે છે. કારણ કે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા આવા જર્જરીત મકાનોને નોટિસ આપીને સંતોષ માની લીધો પરંતુ હવે આ મકાનો ખાલી કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું. આ ઉપરાંત આ ઘટનાને લઈને જવાબદાર SMCના જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે પણ જોવાનું રહે છે. કારણ કે એક બિલ્ડીંગની અંદર 30 રૂમ બનાવી દેવામાં આવી અને બિલ્ડીંગનો પ્લાન કોના દ્વારા પાસ કરવામાં આવ્યો, બિલ્ડીંગનું સ્ટ્રક્ચર કઈ રીતે મંજૂર થયું તે તમામ બાબતો પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.