January 3, 2025

ઠેબા ગામના યુવા ખેડૂતે અપનાવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી

સંજય વાઘેલા, જામનગર: ઋગ્વેદમાં કહેવાયું છે કે गावो विश्वस्य मातरः એટલે કે ગાય વિશ્વની માતા છે, કારણ કે ગાય આપણી માતાની જેમ જ પાલનપોષણ કરનારી છે. ગાયોનો ઉછેર અને રક્ષણ કરવું એ આપણી ફરજ છે જે આપણે કુદરતી ખેતી દ્વારા સરળતાથી કરી શકીએ છીએ. પ્રાકૃતિક ખેતી એ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે કારણ કે તે દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી કરવામાં આવે છે. દેશી ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી, તેથી તે ખૂબ જ ઓછા ખર્ચે થતી ખેતી છે.

એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) દ્વારા જામનગર જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અને શિબિરોનું આયોજન કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી અંગેના ફાયદાઓ જાણ્યા બાદ જામનગર જિલ્લાના ખેડૂતો આ ખેતી અપનાવી રહ્યા છે. ઠેબા ગામમાં રહેતા યુવા ખેડૂત યશભાઈ સંઘાણીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જેના થકી તેઓ ઓછા ખર્ચથી વધુ આવક મેળવી રહ્યા છે. ગાય આધારિત ખેતી પદ્ધતિમાં ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરવામાં આવે છે. ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ બેક્ટેરિયા જોવા મળે છે જે જમીનની ફળદ્રુફતામાં વધારો કરે છે.

પોતાની 3 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત યશભાઈ સંઘાણી જણાવે છે કે, મારી પાસે ૭ ગાયો છે. તેના છાણ અને ગોમુત્રથી જીવામૃત બનાવીને ખેતીમાં ઉપયોગમાં લઉ છું. ખેતરમાં મેં શેરડી, મગ, અડદ, ચોરી, તુવેર, ચણા, શાકભાજીનું વાવેતર કર્યું છે. અને તેમાંથી જ હું ચણાનો લોટ, તુવેરદાળ સહિતની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી વેચાણ કરું છું.

ખેડૂતો ઓર્ગેનિક પ્રોડક્ટસનું સીધું વેચાણ ગ્રાહકોને કરી શકે તે માટે સરકાર દ્વારા સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવતા અમને ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. જેનો લાભ મેળવીને અલગ અલગ જગ્યાઓ પર પણ હું વેચાણ કરી શકું છું. અને આર્થિક નફો થાય છે.

મેં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ટેલિફોનિક વાત કરી એમનું પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ મેળવ્યું છે. પ્રાકૃતિક ખેતી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ખેડૂતોને પણ અપીલ કરતા તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને આવક સારી મળે છે. માટે સૌએ આ ખેતી અપનાવવી જોઈએ.