December 21, 2024

કોપીરાઈટ કેસમાં કિંજલ દવેની મુશ્કેલીઓ વધી, દંડ નહીં ભરે તો જેલ જવું પડશે

અમદાવાદઃ  ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી ફેમસ થયેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની મુશ્કેલીઓ વધી ગઇ છે. કિંજલ દવે પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ‘ચાર ચાર બંગરીવાલી ગાડી’ ગીત અંગે કોપીરાઈટ કેસ ચાલી રહ્યો છે અને જ્યાં સુધી તેનો નિર્ણય ન આવે ત્યાં સુધી કોર્ટે કિંજલ દવેને ગીત ગાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. નોંઘનીય છે કે ઓક્ટોબર 2022 માં શહેરની સિવિલ કોર્ટે કિંજલ દવેને ગીત ગાવા અને બે સંગીત કંપનીઓ, RDC મીડિયા અને સ્ટુડિયો સરસ્વતીને કેસેટ અથવા સીડી રૂપમાં ગીત વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

કોપીરાઈટનો છે કેસ
2019માં રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કોપીરાઈટ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં કોર્ટે મ્યુઝિક કંપનીઓ અને કિંજલ દવેને ગીત વેચવા અને ગાવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ‘ચાર ચાર બંગડીવાલી ગાડી’ ગીત બનતા પહેલા તેને કોણે કમ્પોઝ કર્યું હતું તે અંગે વિવાદ ઊભો થયો હતો. રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે સૌપ્રથમ ગીત લખ્યું હતું. તેણે તેને તેની યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી કિંગ્સ પર અપલોડ કર્યું હતું, બીજી બાજુ કિંજલ દવેએ દાવો કર્યો છે કે આ ગીત મનુભાઈ રબારીએ લખ્યું છે અને મયૂર મહેતાએ આ ગીત બનાવ્યું છે. ત્યારબાદમાં RDC મીડિયા દ્વારા અપલોડ કરવામાં આવ્યું હતું.

કોર્ટના આદેશનું પાલન નથી કર્યું
કોર્ટના આદેશ છતાં કિંજલ દવેએ આ ગીત ગાવાનું ચાલુ રાખ્યું હતું. જેથી વકીલ ઝાહીદ શેખે રેડ રિબનનો સંપર્ક કર્યો હતો. જેમાં તેણે ફરિયાદ કરી હતી કે કિંજલ દવેએ જાહેર કાર્યક્રમોમાં ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત ગાવાનું ચાલુ જ રાખ્યું છે અને કિંજલ દવેએ આવું 20-25 વખત કરી ચૂકી છે. કિંજલ દવે સામે કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર 39 નિયમ 2A હેઠળ કાર્યવાહી થવી જોઈએ. કિંજલ દવેએ પોતાનો બચાવ કરતા કહ્યું કે તેને આ નિયમની જાણ નથી. જોકે કોર્ટે કિંજલ દવેની અરજી ફગાવી દીધી હતી. કિંજલે એવી પણ દલીલ કરી હતી કે તેણે ઓર્ડરનું ઉલ્લંઘન કર્યું નથી કારણ કે તેણે આ ગીત ભારતની બહાર રજૂ કર્યું હતું. કોર્ટે કહ્યું છે કે પ્રતિબંધનો આદેશ તેણીને વ્યક્તિગત રૂપે આપવામાં આવ્યો છે, તેથી તે જ્યાં પણ જશે તેણે આદેશનું પાલન કરવું પડશે. સિટી સિવિલ જજ ભાવેશ અવસિયા એ આદેશ કર્યો હતો કે કિંજલ દવે સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે તેણે જાણી જોઈને કોર્ટના આદેશનો અનાદર કર્યો છે.

દંડ નહીં ભરે તો જેલમાં જશે
કિંજલ દવેના વકીલે કોર્ટને વિનંતી કરી કે તેને સિવિલ જેલમાં ન મોકલવામાં આવે અને કિંજલ દવેએ કહ્યું કે ફરિયાદ કરનાર રેડ રિબનને યોગ્ય વળતર ચૂકવી દેવામાં આવશે. કોર્ટે કિંજલના વકીલની દલીલ માન્ય રાખી સાત દિવસમાં 1 લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો. જો કિંજલ પૈસા ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેને એક સપ્તાહ સુધી સિવિલ જેલમાં રહેવું પડશે.