8 હજારથી વધુ લોકો 30 વર્ષથી પ્રાથમિક સુવિધાથી વંચિત, લોકોમાં રોષ
વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ અંદાજે 20થી વધુ સોસાયટીના 8 હજારથી વધુ રહીશો છેલ્લા 30 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ વંચિત છે. રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે છેલ્લા બે વર્ષમાં અનેકવાર આંદોલન અને ચક્કાજામ કરવા છતાં સુવિધાઓના બદલે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવતા રહીશોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં તંત્ર દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવ્યા હોવાની મસમોટી વાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા જુદા જ ચિત્રો બતાવી રહી છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાં આવેલા ગણપતિ ફાટસર વિસ્તાર અંદાજે બે કિલોમીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલો છે અને આ વિસ્તારમાં અંદાજે 20થી વધુ સોસાયટીમાં 8 હજારથી વધુ લોકો 30 વર્ષ કરતાં વધુ સમયથી વસવાટ કરી રહ્યાં છે. પરંતુ આ વિસ્તારની હાલત છેવાડાના કોઈ ગામડા કરતાં પણ બદતર હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ સાંસદ રાજેશ ચુડાસમા ફરી વિવાદમાં, ધમકી આપવા મામલે FIR દાખલ
આ વિસ્તારમાં નથી પાકા રસ્તાઓ કે નથી ભૂગર્ભ ગટરવ્યવસ્થા. તંત્ર દ્વારા પાણીના કનેક્શન તો આપવામાં આવ્યા છે પરંતુ પાણી આપવાનો કોઈ સમય નક્કી નથી. ક્યારેક પાંચ દિવસે તો ક્યારેય 7 દિવસે માંડ અડધો કલાક પાણી આવે છે. જેના કારણે લોકો વેચાતું પાણી લેવા પણ મજબૂર બન્યાં છે. રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ મામલે સ્થાનિકો દ્વારા છેલ્લા બે વર્ષમાં અનેકવાર પાલિકા તંત્રમાં રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ રસ્તાઓ ચક્કાજામ કરવા સહિતના ઉગ્ર આંદોલન કરવામાં આવ્યા હતા. તેમ છતાં તંત્ર દ્વારા સુવિધાઓના બદલે માત્ર આશ્વાસન આપવામાં આવતા હજુ પણ સ્થિતિ જૈ સે થે જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ કુવૈતમાં અટકાયત કરાયેલો એક યુવાન માદરે વતન પહોંચ્યો, કહ્યુ – સાત દિવસ જેલમાં રહ્યો
આ વિસ્તારમાં સુરેન્દ્રનગર શહેરના લોકોના આસ્થા સમાન ગણપતિ મંદિર આવેલું છે. જ્યાં દર રવિવારે અને મંગળવારે દર્શનાર્થે આવતા હજારો લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. પાકા રસ્તા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ચોમાસામાં તો આ વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાય છે. સ્થાનિક ચૂંટાયેલા પાલિકાના સદસ્યો સહિતના નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાતા હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં પાલિકા તંત્ર દ્વારા જો પ્રાથમિક સુવિધાઓ આપવા અંગે નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.