December 28, 2024

ક્રાઇમ બ્રાન્ચ-કસ્ટમ વિભાગ દ્વારા ડ્રગ્સ કાર્ટલનો પર્દાફાશ, હાઇબ્રીડ ગાંજો પકડાયો

જયેશ ચૌહાણ, અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ફરી એક વખત ડ્રગ્સ કાર્ટલનો પર્દાફાશ કરાતા 3.5 કરોડથી વધુનો હાઈબ્રીડ ગાંજો પકડી પાડ્યો છે. ચોક્ક્સ માહિતી આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા 58 પાર્સલોમાં ગાંજો હોવાનું સામે આવતા જ સ્નિફર ડોગની મદદથી પાર્સલની ઓળખ કરવામાં આવી અને 11.601 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો.

છેલ્લા કેટલાય સમયથી કેટલાંક દેશ વિરોધી તત્વોએ દેશના યુવાનોને માદક દ્રવ્યોના વ્યસની બનાવીને ભારતના સામાજીક માળખાને નુકશાન પહોંચડાવાનો પ્રયાસ કર્યો હતો. પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ડ્રગ નેટવર્કની બદલાતી મોડસ ઓપરેન્ડી પર સતત નજર રાખી ફરી એક વખત હાઈબ્રીડ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે. પકડાયેલ ડ્રગ્સના જથ્થામાં આ વખતે ડ્રગ્સ માફિયાઓએ 8.8 MLની એક એવી 60 બોટલોમાં લિક્વિડ ફોર્મમાં ડ્રગ્સ પાર્સલમાં મોકલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ચોક્કસ માહિતી આધારે પેડલર્સ સરહદો પારથી માદક દ્રવ્યોની ગેરકાયદેસર હેરાફેરી માટે ડાર્કવેબ અને અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું જાણવા મળતા અલગ અલગ ટિમો તપાસ કરી રહી હતી. જે દરમ્યાન અગાઉ પકડેલા ડ્રગ્સ મોકલનાર શખ્સો સુધી પહોંચવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. સંયુક્ત ટીમ દ્વારા સફળતાપુર્વક ઘણા કુરિયર પાર્સલને કબ્જે કરવામાં આવ્યા છે.

પકડાયેલા ડ્રગ્સના શંકાસ્પદ કરિયરની અમદાવાદ શહેર ડોગ સ્કોડ દ્વારા તપાસ કરતાં કુલ 58 શંકાસ્પદ પાર્સલ મળી આવેલા. જેમાં વગર પાસ પરમીટનો બિન-અધિકૃત ગાંજાનો જથ્થો 11.601 કિલો મળી આવ્યો. માનવામાં આવી રહ્યું છે પકડાયેલા આ ટ્રકની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 3.48 કરોડથી વધુની થાય છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે NDPS એકટ કલમ 8(C), 20(B), 23, 29 મુજબનો ગુનો દાખલ કરી ડ્રગ્સ માફિયાઓને પકડવા ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ તરફથી માહિતી આપવામાં આવી છે કે આ નવા જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી માદક દ્રવ્યોને મોકલવામાં આવ્યા હતા. રમકડાનુ ઝેટ વિમાન, રમકડાની ટુલ કીટ, સ્પાઈડર મેન બોલ, સ્ટોરી બુક, ફોટોફ્રેમ, ચોકલેટ, જેન્ટ્સ જેકેટ, લેડીઝ ડ્રેસ, લંચબોક્ષ, વિટામીન કેન્ડી, સ્પીકર, એન્ટીક બેગ વિગેરે માંથી હાઈબ્રીડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ મળી આવેલું.

ઓનલાઇન ડાર્ક વેબના માધ્યમથી ચાલતી આ ડ્રગ કાર્ટલમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પણ ડ્રગ્સ મંગાવતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જોકે આવા બાળકોને અને તેમના માતા પિતાને ક્રાઈમ બ્રાન્ચે બોલાવી અમુક બાળકોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. એટલુ જ નહીં પણ બાળકો પાસેથી મળેલી માહિતીના આધારે મોટા પાર્સલની અન્ય માહિતી મળતા તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
અગાઉ પકડાયેલ ડ્રગ્સની જેમ જ આ વખતે પણ પાર્સલમાંથી મોટાભાગના પાર્સલ યુએસ, કેનેડા, યુકે થી આવ્યા હતા. વિદેશથી ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા થતી પેડલરોનો સંપર્ક ડ્રગ્સ નું સેવન કરનારાઓ કરતા હતા. આ ડ્રગ્સ માફિયાઓ પૈકીના મુખ્ય 5 પેડપરો દિલ્લી, મુંબઈ, બેંગલોર, અમદાવાદના હોવાની ઓળખ થઈ ગઈ ચૂકી છે.

મહત્વનું છે કે અત્યાર સુધી હાઈબ્રીડ ગાંજો પોલીસે પકડેલો પણ આ વખતે લીકવિડ ફોર્મમાં આવેલું ડ્રગસ સીધું જ પીવામાં આવતું હોય તે નવાઈ લાગે તેવું ડ્રગ્સ લિકવિડ ગાંજો પણ કબ્જે કર્યો છે. દ્રગ્સ મંગાવનારાઓ પાર્સલ પોસ્ટમાં પહોંચે ત્યારે ડિલિવરી બોયનો સંપર્ક કરી પાર્સલ એડ્રેસ બદલાયા હોવાનું કહી અન્ય જગ્યા પર પાર્સલ મેળવી લેતા. મોટો જથ્થો વિદેશમાંથી આવતો ત્યારે તેની ચૂકવણી ક્રિપ્ટો કરન્સી થતું હોવાનું પણ ખુલ્યું છે.