December 17, 2024

પાકિસ્તાને સતત ત્રીજી હાર બાદ ગુમાવી T-20 સિરીઝ, ન્યૂઝીલેન્ડના એલને ફટકારી સદી

ડ્યુનેડિન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ આમને સામને ટકરાયું હતું. જ્યા રમાયેલી T20 સિરીઝની ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 45 રને હરાવ્યું હતું. પાંચ મેચોની સિરીઝમાં પાકિસ્તાનની આ સતત ત્રીજી હાર છે. આ હાર સાથે તેણે સિરીઝ પણ ગુમાવી દીધી છે. ન્યુઝીલેન્ડ માટે ફિન એલને ધમાકેદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. તેણે 137 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ટિમ સાઉદીએ 2 વિકેટ લીધી હતી. પાકિસ્તાન તરફથી બાબર આઝમે અડધી સદી ફટકારી હતી.

પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા. આ દરમિયાન ફિન એલને તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 62 બોલનો સામનો કરીને 137 રન બનાવ્યા હતા. એલનની આ ઇનિંગમાં 5 ફોર અને 16 સિક્સ સામેલ હતી. સેફર્ટે 23 બોલનો સામનો કરીને 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન તરફથી હરિસ રઉફે 2 વિકેટ ઝડપી હતી. જો કે, તેઓ સૌથી મોંઘા પણ સાબિત થયા. રઉફે 4 ઓવરમાં 60 રન આપ્યા હતા.

પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી

ન્યૂઝીલેન્ડે આપેલા ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી. તેના માટે બાબર આઝમે અડધી સદી ફટકારી હતી. બાબર 3 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 37 બોલનો સામનો કરીને 58 રન બનાવ્યા હતા. બાબરની આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. મોહમ્મદ રિઝવાને 20 બોલમાં 24 રન બનાવ્યા હતા. ફખર ઝમાને 10 બોલનો સામનો કરીને 19 રન બનાવ્યા હતા. નવાઝે 15 બોલનો સામનો કર્યો અને 28 રન બનાવ્યા.

આ પણ વાંચો : આ પાકિસ્તાની ક્રિકેટર થયો લાલઘૂમ, કહ્યું; કોણ શીખવશે મને કેચ પકડવાનું…?

પાકિસ્તાનની સતત ત્રીજી હાર

પાંચ મેચની T20 સિરીઝમાં પાકિસ્તાનની આ સતત ત્રીજી હાર છે. સિરીઝની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે 46 રને જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડે બીજી મેચ 21 રને જીતી લીધી હતી. હવે ત્રીજી મેચ 45 રને જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે T20 સિરીઝની ચોથી મેચ 19 જાન્યુઆરીએ રમાશે. આ પછી, પાંચમી અને છેલ્લી મેચ 21 જાન્યુઆરીએ રમાશે.

પાકિસ્તાનની શરૂઆત ખરાબ

પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. સૈમ અયુબ ચોથી ઓવરમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 13 બોલનો સામનો કર્યો હતો. રિઝવાને પણ 24 રન બનાવવા માટે 20 બોલ લીધા હતા. ફખર ઝમાને 10 બોલમાં 19 રન બનાવ્યા હતા. આઝમ ખાન પણ 7 બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો.

બાબરે તેની અડધી સદી પૂરી કરી હતી પરંતુ તે જીતવા માટે પૂરતી ન હતી. તે 37 બોલમાં 58 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેની વિકેટ સાથે પાકિસ્તાનની તમામ આશાઓ પણ ખતમ થઈ ગઈ. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડની ટીમ આ મેદાન પર હજુ સુધી એકપણ આંતરરાષ્ટ્રીય મેચ હારી નથી.