જૈન વિસ્તારમાં પ્રાણીનું કપાયેલું માથું મૂકતા વાતાવરણ ડહોળાયું, મુનિઓ ધરણાં પર
અમિત રુપાપરા, સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં વહેલી સવારે શંકાસ્પદ ગૌવંશનું મસ્તક મળી આવતા જૈન સમાજમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાને લઈ જૈન મુનિઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ જતા દોડતી થયેલી પોલીસે તાત્કાલિક એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી. અહીં આવેલા મણીભદ્ર એપાર્ટમેન્ટ નજીક જૈન સમાજના સાધ્વીઓ વિચરણ કરે છે. અહિંસાવાદી વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહળવા માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.
સુરતના અડાજણ સ્થિત પાલ વિસ્તારમાં આવેલા મણીભદ્ર એપાર્ટમેન્ટ નજીકથી વહેલી શંકાસ્પદ મસ્તક મળી આવતા ભારે ચકચાર ગઈ હતી. અહીં આવેલા એપાર્ટમેન્ટ નજીક જૈન સમાજના સાધુ સંતો અને મુનિઓ વિચરણ કરે છે. જે વિસ્તારમાં કોઈક અસામાજિક તત્વ દ્વારા કપાયેલું માથું મૂકી જૈન સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાના પગલે જૈન મુનીઓ સ્થળ પર જ બેસી ગયા હતા અને તાત્કાલિક ધોરણે ધાર્મિક આસ્થાને હાનિ પોંહચાડનારા તત્ત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ AAPના બે કોર્પોરેટરો સામે 10 લાખની લાંચ માગવાનો આક્ષેપ, ACBમાં ફરિયાદ
આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ની પણ તપાસ કરવામાં આવી હતી. જો કે, જ્યાં સુધી આ પ્રકારનું કૃત્ય કરનારા નહીં ઝડપાય ત્યાં સુધી જગ્યા નહીં છોડવા માટેની ચીમકી જૈન મુનિઓ દ્વારા આપવામાં આવી હતી. પોલીસ દ્વારા જૈન મુનિઓને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જૈન સમાજના લોકોની એક જ માંગણી હતી કે જે કોઈ તત્વો દ્વારા આ દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે, તેવા તત્વોની ત્વરિત ધોરણે ધરપકડ કરવામાં આવે. એફએસએલની ટીમ દ્વારા સ્થળ પરથી પશુના માંસનાં નમૂના લઈ લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટનાના પગલે જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ જતાં જૈન સમાજના અગ્રણીઓને સાથે રાખી મામલો થાળે પાડ્યો હતો.
સુરત ડીસીપી રાકેશ બારોટ એ જણાવ્યું હતું કે, અડાજણ પોલીસને કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી કે કોઈક મૂંગા પ્રાણીનું કપાયેલું મસ્તક મળી આવ્યું છે. ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કોઈ પ્રાણીનું કપાયેલું મસ્તક મળી આવ્યું છે. જેમાં ચહેરો સ્પષ્ટ પણે જોઈ શકાતો નથી. એફએસએલની ટીમને બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટ બાદ કયા પશુનું મસ્તક છે તે સ્પષ્ટ થઈ શકશે. વેટરનિટી અધિકારીને પણ સ્થળ પર બોલાવી તેમના દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. તમામ સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. પાલ ખાતેથી પણ પશુના અન્ય અંગો મળી આવ્યા છે.
આ પણ વાંચોઃ નાલંદા યુનિવર્સિટીને ખીલજીએ ખુન્નસમાં સળગાવી, 3 મહિના સુધી ભડકે બળી
આ ઘટનાને લઈ જૈન મુનિઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. જૈન મુનિ રાજ સુંદર વિજયજી મહારાજ સાહેબે ઘટનાને સખ્ત સબ્દોમાં વખોડતા જણાવ્યું હતું કે, પશુનું ગળું કાપી અહીં મૂકવામાં આવ્યું છે તેવા સમાચાર મળતા હૃદય કંપી ઉઠ્યું. જે કાળા રંગની ભેંસ અથવા ગાય પણ હોઈ શકે છે. જ્યાં અહીં અહિંસાવાદી અને જૈન સમાજના લોકો રહે છે. અડધી રાતે પશુનું કપાયેલું ધડ મૂકી જવા પાછળનું કારણ શું હોઈ શકે? છેલ્લા અઠવાડિયાથી જૈન સમાજ એક એક સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે. એક સાધ્વીજીને પટ્ટે પટ્ટે મારવામાં આવે, આચાર્ય ભગવતજીને ટ્રક નીચે કચડી નાંખવામાં આવે, ભગવાનની પ્રતિમાના ટુકડાં કરવામાં આવે છે અને પશુનું કપાયેલું ધડ મૂકી જવું આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. આ પાલ નહીં પરંતુ પાલીતાણા છે, જ્યાં સંતો વિચરણ કરે છે. આ એક બદઇરાદો છે. જ્યાં જાણી જોઈને કોઈ સંપ્રદાય અને ધર્મને હાનિ પહોંચાડવાનો આ પ્રયાસ છે. જે કોઈપણ વ્યક્તિ બદઇરાદા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હોય તેની સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. અંદર જવા કરતાં ઉપર જવું અમને યોગ્ય લાગશે. તંત્ર વહેલી તકે નિર્ણય કરે.આ ગળા કોઈ ભેંસ કે ગાયના નહીં પરંતુ આર્ય સંસ્કૃતિનું ગળું કપાયું છે. અલગ અલગ સમાજમાં ઘટનાને લઈ રોષ છે. આ ઘટનાને લઈ હિંદુ સંગઠન અને અન્ય સમાજના લોકોનું પણ સમર્થન છે.
આ ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે, કોઈક ટીખળખોર દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ટીખણખોરોના કારણે જૈન સમાજના લોકોની ધાર્મિક લાગણીને મોટી ઠેસ પહોંચી છે. જ્યાં અહિંસા વાદી જૈન સમાજના લોકો અને જૈન મુનિઓ દરરોજ સવારે વિચરણ કરે છે તે જ સ્થળ ઉપર પશુનું કપાયેલું ધડ મૂકી અસામાજિક તત્વો દ્વારા સમાજમાં વૈમનશ્ય ફેલાવવાનો પણ એક પ્રયાસ કરાયો છે. હાલ તો આ મસ્તક કયા પશુનું છે તે માટે એફએસએલના રિપોર્ટની વાટ જોવાઇ રહી છે. જે રિપોર્ટ આવ્યા બાદ ધડ કયા પશુનું છે તે સ્પષ્ટ થઈ શકશે. પોલીસ એ સીસીટીવી ફૂટેજના આધારે પણ અજાણ્યા ટીખળખોરોની શોધખોળ શરૂ કરી છે.