December 21, 2024

દાંડીના દરિયાકિનારે બનેલી દુર્ઘટનામાં બે મૃતદેહ મળ્યા, અન્ય 2ની શોધખોળ ચાલુ

નવસારીઃ દાંડીમાં દરિયાકિનારે ગઈકાલે દુર્ઘટના ઘટી હતી. જેમાં દરિયામાં ન્હાતી વખતે કેટલાક પરિવારો ડૂબી ગયા હતા. તેમાંથી બે પરિવારને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 4 જેટલા લોકો ડૂબી ગયા હતા.

હાલ પોલીસ સહિત સ્થાનિક તરવૈયા અને NDRFની બોટ દ્વારા ડૂબેલા લોકોનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય 2 લોકોના મૃતદેહની શોધખોળ ચાલુ છે. મહત્વનું છે કે, વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 18 કલાકથી સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. જલાલપોર પોલીસ સ્ટેશનના PI સહિતની ટીમે ડૂબેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.

ગઈકાલે સાંજે બની હતી દુર્ઘટના
દાંડીના દરિયાકિનારે મોટી દુર્ઘટના બની હતી. જેમાં એક જ પરિવારના 6 લોકો દરિયામાં ડૂબી ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ સહિત અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. દાંડીના દરિયાકિનારે રજાની મજા માણવા ગયેલા નવસારી પરિવારના 6 લોકો ડૂબ્યા હતા. નવસારીના ખડસુપા ગામે રહેતા પરિવારો રવિવારની રજા માણવા દાંડી ગયા હતા. ત્યારે ડૂબેલામાંથી 2 લોકોને હોમ ગાર્ડ અને પોલીસે રેસ્ક્યૂ કરીને બચાવ્યા હતા. જ્યારે અન્ય 2 મહિલા અને 2 પુરુષ દરિયામાં ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અનેક લોકોની દરિયામાં ડૂબી જવાની ઘટના સામે આવી છે.