NILESH KUMBHANI સાથે EXCLUSIVE વાતચીત, કહ્યુ – કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી હતી
સુરતઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું હાઇવોલ્ટેજ ડ્રામા બાદ રદ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ પક્ષે તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. નિલેશ કુંભાણીએ ન્યૂઝ કેપિટલ સાથે તેમણે ખાસ વાતચીત કરી છે. જેમાં તેમણે કોંગ્રેસ પર અનેક આક્ષેપ કર્યા છે.
નિલેશ કુંભાણીએ જણાવ્યુ હતુ કે, ‘કોંગ્રેસે વર્ષ 2017માં મારી સાથે ગદ્દારી કરી હતી. મારા કાર્યકર્તાઓ અને સ્ટાફ પણ ઇચ્છતો હતો કે હું ચૂંટણી ન લડું. મેં મતદારો સાથે ગદ્દારી કરી નથી. મતદારો પણ મને કહે છે કે તમે રાષ્ટ્રહિતનું કામ કર્યું છે.’
તેઓ આગળ જણાવે છે કે, ‘2000 લોકો જ કોંગ્રેસ સાથે હતા બાકી બધા રાષ્ટ્રહિતમાં મતદાન કરવાના હતા. હું ત્રણ દિવસથી સુરતમાં છું અને લોકો મને એવું જ કહે છે કે તમે રાષ્ટ્રહિતનું કાર્ય કર્યું છે. હું હાલ કોઈ ભાજપના નેતાઓના સંપર્કમાં નથી અને અગાઉ પણ ન હતો. મારા બનેવી એ જ મારૂં ફોર્મ પરત ખેંચ્યું હતું. હવે હું સામાજિક સેવા કરીશ. કોંગ્રેસે મને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે.’
તેઓ વધુમાં કહે છે કે, ‘શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણીના કારણે અત્યાર સુધી હું મીડિયા સામે ન આવ્યો. હું આ નેતાઓનો વિશ્વાસ તોડવા માગતો ન હતો. ચૂંટણી દરમિયાન મીડિયા સામે આવું તો કોંગ્રેસને નુકસાન થાય અને એટલે જ મીડિયા સામે ચૂંટણી પછી આવ્યો છું. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ કોંગ્રેસના નેતા મને સાથ આપતા ન હતા. ટેકેદારમાં જે બનેવી હતા તે પણ કોંગ્રેસના કાર્યકર્તા છે અને બે અન્ય લોકો જે હતા તે પણ કોંગ્રેસના કાર્યકર્તા છે. પૈસા લેવાની વાત જે થઈ રહી છે તે તદ્દન ખોટી વાત છે.’