January 3, 2025

અમિત શાહના ફેક વિડીયો મામલે MLA જીગ્નેશ મેવાણીએ આપી પ્રતિક્રિયા

મિહિર સોની, અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારી મંત્રી અમિત શાહની તેલંગાણાની એક સભાનાં વિડીયોને એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર 2 શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના PA અને આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ દ્વારા ફેસબુક માધ્યમથી વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની એક જાહેર સભામાં બોલાયેલી સ્પીચનો વિડીયો એડિટ કરી રાજકીય ગ્રૂપોમાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જે વિડીયો ગુજરાતના આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લાના પ્રમુખ રમેશ બારૈયા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનાં પીએ સતીષ વરસોલાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર વાયરલ કર્યો હતો. જે અંગે અમદાવાદ સાયબર ક્રાઈમની મોનીટરીંગ સેલના ધ્યાનમાં આવતા સાયબર ક્રાઇમે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે.

જોકે સમગ્ર મામલે જીગ્નેશ મેવાણીએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સતીશ વરસોલા મારો છેલ્લા છ વર્ષથી અમારા ટીમ મેમ્બર તરીકે કામ કરે છે..ભાજપનું આઈટી સેલ ફેક પ્રોપેગંડા ચલાવે છે અને સતિષ વરસોલા પાટણ, બનાસકાંઠામાં પ્રચાર કરી શકે નહીં તેથી તેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને આવનારી પીએમની ડીસાની સભામાં દલિત સમાજના લોકો સ્વાગત કરવા સભામાં જઈ શકે છે.

મહત્વનું છે કે સાયબર ક્રાઇમ દ્વારા ચૂંટણી નજીક હોવાથી સોશિયલ મીડિયા પર સતત વોચ રાખી રહ્યાં છે અને આ પ્રકારના ફેક વિડીયો અથવા એડિટેડ વિડિયો પર નજર રાખતી હોય છે ત્યારે સાયબર ક્રાઇમની ટીમને ધ્યાનમાં આવ્યું કે અમિત શાહનો એડિટ કરેલો વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે, જેના આધારે સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમિત શાહની સ્પીચનો વિડીયો એડિટ કરી તેને વાયરલ કરનાર અંગે દિલ્હીમાં પણ ફરિયાદ નોંધાય હતી. અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ એક ફરિયાદ નોંધી છે અને લોકોને આવા વિડિઓ વાયરલ નહીં કરવા અપીલ પણ કરી છે.