December 23, 2024

બાઇકને મોડીફાઇ કરી રોલા મારતા યુવકો પર સુરત પોલીસની આકરી કાર્યવાહી

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં રફતારના રાક્ષસો સામે સુરત પોલીસની કાર્યવાહી સામે આવી છે. સુરત શહેર ઝોન-4 વિસ્તાર હેઠળ જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે તે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટંટ કરતા કે પછી પોતાની બાઈકને મોડીફાઇ કરી બેફામ રીતે વાહન ચલાવતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે 3498 જેટલા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે અને કુલ 17,60,200 રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી છે.

સુરત શહેરમાં કેટલાક બાઈક ચાલકો પોતાની બાઈકમાં દેખાવ માટે કે પછી રસ્તા પર સ્ટંટ કરવા માટે મોટા અવાજ વાળા સાઇલેન્સર લગાવીને રસ્તા પર પોતાનું વાહન લઇ નીકળતા હોય છે. આ ઉપરાંત કેટલાક ઈસમો બેફામ ગતિએ વાહન ચલાવીને લોકોને પણ અડચણરૂપ બનતા હોય છે. ત્યારે આવા ઈસમો સામે સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહન ચેકિંગની એક ખાસ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત શહેર પોલીસ ઝોન-4 વિસ્તાર હેઠળ આવતા ઉમરા પોલીસ સ્ટેશન, અઠવા પોલીસ સ્ટેશન, વેસુ પોલીસ સ્ટેશન, ખટોદરા પોલીસ સ્ટેશન, અલથાણ પોલીસ સ્ટેશન તેમજ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન વાહનોને મોડીફાઇ કરીને અથવા તો તેમાં મોટા અવાજ વાળા સાઇલેન્સર લગાવીને રસ્તા પર નીકળતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, જે લોકો મહેનત મજૂરીથી કમાણી કરે છે તેવા લોકોને પરેશાન કરવામાં આવ્યા ન હતા એટલે કે આવા વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તેનું આ ડ્રાઈવ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સુરત સિવિલના રેડિયોલોજી વિભાગમાં દર્દીઓને હાલાકી, દોઢ-બે કલાકનું વેઇટિંગ

સુરત પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન મોટા અવાજ વાળા સાઇલેન્સર લગાવનારા 30 જેટલા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ તેમના વાહનોમાંથી મોટા અવાજ વાળા સાઇલેન્સર કઢાવવામાં આવ્યા હતા અને કંપનીના સાયલેન્સર ફીટ કરાવી તેમને દંડપ કરીને તેમનું વાહન સોંપી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે 3498 જેટલા વાહન ડીટેઇન કર્યા હતા અને કામગીરી દરમિયાન થળપરાજે 17,60,200ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત 100 કરતા વધારે બુલેટ તેમજ અન્ય મોડીફાઇ બાઈક કબજે લેવામાં આવી અને આ તમામ બાઈકો દોઢથી બે લાખ કરતા વધારેની કિંમતની સામે આવ્યું.