ચોટીલા ડુંગરની પરિક્રમાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાયાં
વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લાના સુપ્રસિદ્ધ ચોટીલા યાત્રાધામ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિના છઠ્ઠા નોરતે ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ચોટીલા ડુંગરની પરિક્રમા તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજી ભક્તોમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે અને દૂર દૂરથી ભક્તો ચામુંડા માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. ત્યારે ચૈત્રી નવરાત્રી દરમિયાન ચામુંડા માતાજીની પૂજા અને અર્ચના સાથે ડુંગર પરિક્રમાનો પણ લાભ લઈ શકે તેવા હેતુથી ધર્મ જાગરણ સમન્વય તેમજ ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું સતત ચોથા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ સવારે 8 કલાકે ચોટીલા નવગ્રહ મંદિર ખાતે સાધુ, સંતો, મહંતો અને ધર્મ પ્રેમી આગેવાનોની ઉપસ્થિતીમાં ધર્મસભા યોજાઈ હતી. જેમાં મહાઆરતી બાદ ધ્વજા દંડનું પૂજન કરવામાં આવ્યું હતું અને ચોટીલા મંદિરના મહંત મનસુખગીરી બાપુ, અમૃતગીરી બાપુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પરિક્રમા યાત્રાનુ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં IPSની બદલી, સુરતના નવા CP અનુપમસિંહ ગહેલોત
આ પરિક્રમા યાત્રામાં માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ અમદાવાદ, રાજકોટ, મહેસાણા, ભાવનગર, સુરત સહિતના શહેરો સહિત બહારના રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ચામુંડા માતાજીની ધજા સાથે જોડાયા હતા. ચોટીલા નવગ્રહ મંદિરથી નાના પાળીયાદ રોડ થઈને ખોડીયાર ગાળા અને કબીર આશ્રમ થઈ ચોટીલા ડુંગર તળેટીમાં 6 કિલોમીટરની ડુંગર પરિક્રમા પૂર્ણ થઈ હતી. મોટી સંખ્યામાં ભકતોએ ડુંગરની 6 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે ડુંગર પરિક્રમાના રૂટમાં દર 800 મીટરના અંતરે ભક્તો માટે પાણી, છાશ, શરબત તેમજ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતની 26 લોકસભા બેઠક પર ચિત્ર સ્પષ્ટ, કયા ઉમેદવારો વચ્ચે જામશે જંગ?
સમગ્ર ડુંગર પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં અમુક અમુક અંતરે સેવા કેમ્પો સાથે અંદાજે 100થી વધુ સ્વંયસેવકો ખડેપગે સેવામાં હાજર રહ્યા હતા. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન અને પરિક્રમા કરી ભક્તોએ પુણ્યતાનું ભાથું બાંધ્યુ હતું. તેમજ સમગ્ર માહોલ ચામુંડા માત કી જય ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.