December 18, 2024

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીની ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત

અમિત રૂપાપરા, સુરત: સુરત લોકસભા બેઠક પરથી ભાજપ એ ઉમેદવાર તરીકે મુકેશ દલાલ અને કોંગ્રેસે ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે નિલેશ કુંભાણીએ ન્યૂઝ કેપિટલ સાથે ચૂંટણી પ્રચાર બાબતે વાતચીત કરી હતી.

નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે, બીજેપીના ઉમેદવાર મુકેશ દલાલ જે પ્રચાર કરી રહ્યા છે તેમને મૂળ સુરતીઓ પણ સ્વીકારવાના નથી, કારણ કે સુરતીઓને પોતાના ઉમેદવાર મળ્યા નથી, બીજી તરફ સુરતમાં જે જંગ જામ્યો છે તે સૌરાષ્ટ્રીયન તેમજ સુરતી વચ્ચે જામ્યો છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના કોંગ્રેસી લોકસભા ઉમેદવાર ગેનીબેન પર વીજ ચોરીનો આક્ષેપ

આ ઉપરાંત કોરોના મહામારીને યાદ કરતા નિલેશ કુંભાણીએ કહ્યું કે, કોરોના મહામારીમાં મારા સરદાર ફાર્મમાં આઇસોલેશન સેન્ટર મેં ઉભું કર્યું હતું અને લોકોની સેવા કરી હતી. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં સેનિટાઇઝેશનની કામગીરી પણ કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં પણ જે સમયે ખાનગી શાળાઓ ફી બાબતે દાદાગીરી કરતી હતી તેમાં પણ હું વાલીઓની સાથે ઉભો રહ્યો છું અને લોકો મારી કામગીરીથી ખૂબ જ પ્રભાવિત છે.

કોંગ્રેસ પર થઈ રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપો બાબતે નિલેશ કુંભાણીએ કહ્યું કે, કોંગ્રેસ પર જે ભ્રષ્ટાચારો આક્ષેપો કરે છે તે ભારતીય જનતા પાર્ટી ખુદ ઇલેક્ટોરલ બોન્ડનો ભ્રષ્ટાચાર કરી રહી છે. જે કંપની બંધ થવાની હોય તે કંપની જો ઇલેક્ટોરલ બોન્ડ આપે તો તે પણ આગળ વધી જાય છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં સુરતના મુખ્ય બે ઉદ્યોગો જે છે ડાયમંડ અને ટેક્સટાઇલ બંને ઉદ્યોગો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. તો છેલ્લા પાંચ વર્ષમાં સુરતના સાંસદ ઉદ્યોગો માટે એક પણ સારી એવી નીતિ લાવ્યા નથી.

આ પણ વાંચો: જામસાહેબની હાકલ – ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ્’ ધર્મને યાદ કરી માફ કરવા જોઈએ

નિલેશ કુંભાણીએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં ડાયમંડ ઉદ્યોગની હાલત ખૂબ જ કપરી છે. લોકો બેરોજગાર થઈ રહ્યા છે. આ ઉપરાંત મોંઘવારી પણ ખૂબ જ વધી ગઈ છે. તો ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળતી નથી અને એટલા માટે જ ભણેલા ગણેલા જે યુવાનો છે તે તમામ યુવાનો નોકરી કરવા માટે વિદેશ જાય છે. કોંગ્રેસની સરકાર સમયે લોકોને આરોગ્ય અને શિક્ષણ ફ્રીમાં જ મળતું હતું.

રામ મંદિરનું આમંત્રણ કોંગ્રેસે સ્વીકાર્યું ન હતું તેનું નુકસાન કોંગ્રેસને થશે તે બાબતે સવાલ કરતા નિલેશ કુંભાણીએ કહ્યું કે, રામ મંદિર પૂર્ણ રીતે બની ચૂક્યું નથી અને જે મંદિર પૂર્ણ રીતે બને તેમ જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે એટલા માટે શંકરાચાર્યો પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા નથી. રાજીવ ગાંધી રામ મંદિરની લડાઈમાં જોડાયા હતા અને રામ મંદિરના દરવાજા તેમને જ ખુલ્યા હતા જ્યારે મંદિર પૂરું તૈયાર થઈ જશે ત્યારે કોંગ્રેસ પણ ભગવાન રામના દર્શન માટે જશે અને સાથે અમે પણ ભગવાન રામના દર્શન માટે જઈશું.