લોકસભા ચૂંટણી: કોળી સમાજના ઉમેદવાર જાહેર કરતા સુરેન્દ્રનગરમાં ખરાખરીનો જંગ જામશે
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે અનેક નામોની ચર્ચાઓ બાદ અંતે તળપદા કોળી સમાજમાંથી ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ જાહેર કરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી મતદારોના દરેક પ્રશ્નનો અને સમસ્યાનુ નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર શરૂઆતથી જ કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ રહ્યું છે અને રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજના ઉમેદવારને જ છેલ્લા ઘણા વર્ષોથી ટિકિટ આપી અને સાંસદ તરીકે ચૂંટાઈને દિલ્હી સુધી મોકલ્યા છે. આ લોકસભાની ચૂંટણી માટે પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કંઈ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી ? તે અંગે લાંબા સમય સુધી ચર્ચાઓ અને અસમંજસ બાદ ભાજપ દ્વારા ચુવાળીયા કોળી સમાજમાંથી ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર બનાવ્યા છે. તો કોંગ્રેસ દ્વારા પણ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ અંદાજે 12 દિવસ બાદ કોંગ્રેસ દ્વારા અનેક નામના મંથન અને ચર્ચાઓ બાદ અંતે ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાનુ ઉમેદવાર તરીકે નામ સતાવાર રીતે જાહેર કર્યું છે.
વિધાનસભા 2017માં ઋત્વિક મકવાણા કોંગ્રેસમાંથી જીત્યા હતા અને હવે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે ત્યારે કોળી સમાજના મતદારો કોને મત આપી વિજય બનાવે છે તે તો ચૂંટણી પરિણામ બાદ જ માલૂમ પડશે પરંતુ ભાજપમાંથી ચુવાળીયા કોળી અને કોંગ્રેસમાંથી તળપદા કોળી સમાજમાંથી ઉમેદવાર જાહેર કરતા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે તેવુ લાગી રહ્યુ છે.
આ પણ વાંચો: પાટણની લોકસભા બેઠકનું A to Z, જાણો કેટલો વિકાસ થયો
ઋત્વિક મકવાણા શિક્ષણ જગત સાથે સંકળાયેલ છે અને તેમના પરિવારમાંથી કરમશીભાઈ મકવાણા કોંગ્રેસમાંથી પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ સવશીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. હવે ઋત્વિક મકવાણાને કોંગ્રેસે લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જામશે. જ્યારે આ તકે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા તેમજ જો પોતાની જીત થશે તો અગરિયાઓ, ખેડૂતો, GST, વેપારીઓ, રોજગારી સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવશે અને હંમેશા મતદારોની વચ્ચે રહી દરેક સમસ્યાનુ નિરાકરણ લાવશે તેવી ખાતરી આપી હતી અને જંગી બહુમતીથી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.