December 22, 2024

મતદારોની તમામ સમસ્યાનું સમાધાન એટલે VHA એપ્લિકેશન

અમદાવાદ: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. દેશમાં જુદા જુદા રાજ્યોમાં 7 તબ્બકામાં મતદાન થવાનું છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની જાહેરાત અને ચૂંટણી ઢંઢેરાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. લોકશાહીના આ અનેરા અવસરમાં સહભાગી થવા મતદારો કમર કસી રહ્યા છે. આવા સમયે ઘણા મતદારોને તેમના ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બૂથ લેવલ ઓફિસર અંગે ઘણા પ્રશ્નો અને સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. મતદાતાઓની આવી તમામ સમસ્યાઓનું સમાધાન વોટર હેલ્પલાઇન એપ્લિકેશન(VHA) પૂરું પાડે છે. વોટર હેલ્પલાઇન એપ એ મતદારોના અનેક સવાલોનું ડિજિટલ સમાધાન અને સમસ્યાઓનું ‘વન સ્ટોપ સોલ્યુશન’ છે.

વોટર હેલ્પલાઇન એપ પર ઉપલબ્ધ સુવિધાઓ
– આ એપ પરથી મતદાર મતદાન અંગેના જરૂરી ફોર્મ જેવા કે, નવા મતદાર તરીકે અરજી માટેનું ફોર્મ, ટ્રાન્સફર અથવા શિફ્ટિંગ માટેનું ફોર્મ, મતદાતા યાદીમાંથી નામ કઢાવવા માટેનું કે સુધારા માટેનું ફોર્મ વગેરે જેવાં ફોર્મ ભરીને અરજી કરી શકે છે,
– મતદારો મતદાતા યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે.
– મતદારો તેમના મતદાન મથકની વિગતો સહિત તેમના BLO(બૂથ લેવલ ઓફિસર) /ERO(ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ)ની વિગતો મેળવી શકે છે.
– મતદાતાઓ આ એપ પરથી e-EPIC(ઈ – ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પણ ડાઉનલોડ કરી શકે છે.
– ડુપ્લીકેટ e-EPIC(ઈ – ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) મેળવી શકે છે.
– પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે.
– અરજી કરેલ ફોર્મ સેવ કરી શકે છે.
– ફરિયાદ કરવી અથવા કરેલી ફરિયાદની સ્થિતિ જોઈ શકાય છે.
– ઉમેદવારની પ્રોફાઈલ અને એફિડેવિટ મેળવી શકાય છે.
– ચૂંટણી પરિણામો મેળવી શકાય છે.

આ પણ વાંચો: ‘વિકસિત ભારત’વાળા વ્હોટ્સએપ મેસેજ મોકલવાનું બંધ કરોઃ EC

આ એપ્લિકેશન તમને ગૂગર પ્લે સ્ટોર પરથી સરળતાથી મળી શકશે. દરેક મતદારે આજે જ આ અત્યંત ઉપયોગી એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ. જેથી કરીને તેઓ મતદાન અંગેની અનેકવિધ સુવિધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થઈ શકે.