સુરતમાં શોપિંગ સેન્ટરમાં ચાલે છે ખાનગી શાળા, દુકાનો બની ક્લાસરૂમ
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં અલગ અલગ શોપિંગ સેન્ટરોમાં ચાલતી ખાનગી શાળાનો રાફડો ફાટ્યો છે. ત્યારે માનવ અધિકાર પંચ અને પ્રાથમિક શાળાની નિયામકને ફરિયાદ બાદ 29 શાળા સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ આપવામાં આવ્યો છે. ન્યૂઝ કેપિટલ દ્વારા અમરોલી વિસ્તારની એક ખાનગી શાળામાં રિયાલિટી ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે, શાળા શોપિંગ સેન્ટરમાં ચાલી રહી છે અને દુકાનોની જગ્યા પર ક્લાસરૂમમાં તૈયાર કરવામાં આવ્યા છે. તો શાળા સંચાલકો દ્વારા જવાબ આપવામાં આવ્યો કે, શિક્ષણ વિભાગને તમામ બાબતોની ખબર જ છે અને તેમને જ મંજૂરી આપી છે.
સુરત શહેરમાં અલગ અલગ ખાનગી શોપિંગ સેન્ટરોમાં ચાલતી ખાનગી શાળા બાબતે માનવ અધિકાર પંચ અને પ્રાથમિક શાળાની નિયામકને ફરિયાદ કરવામાં આવી હતી. 75 શાળા બાબતે ફરિયાદ કરી હતી, તેમાંથી 29 શાળા સામે કાર્યવાહી કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ આપવામાં આવ્યો છે. નીતિ-નિયમો વિરુદ્ધ ખાનગી શોપિંગ સેન્ટરોમાં ચાલતી આ શાળાઓને મંજૂરી કઈ રીતે મળી તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ન્યૂઝ કેપિટલે સુરતના અમરોલી વિસ્તારમાં ખાનગી શોપિંગ સેન્ટરમાં ચાલતી જ્ઞાનદીપ વિદ્યાલયમાં રિયાલિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ રિયાલિટી ચેકિંગમાં જાણવા મળ્યું હતું કે, ખાનગી શોપિંગના બીજા અને ત્રીજા માળે અલગ-અલગ દુકાનોમાં ક્લાસરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્કૂલમાંથી વિદ્યાર્થીની અવરજવર માટે માત્ર એક સાંકડો રસ્તો છે. એટલે કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓને શાળામાંથી બહાર નીકળવા માટે ઇમરજન્સી એક્ઝિટ પણ તૈયાર કરવામાં આવ્યું નથી.
આ ઉપરાંત શાળા નીચે પાન-માવાની દુકાનો પણ આવેલી છે. ત્યારે શાળા સંચાલકોને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, શાળાની તમામ પ્રકારની મંજૂરી લેવામાં આવી છે અને 20 વર્ષ પહેલાં શિક્ષણ અધિકારીને આ તમામ બાબતોની જાણ હતી અને તેમને મંજૂરી આપી છે. 20 વર્ષથી શાળા ચાલે છે. આ ઉપરાંત જ્યારે નિયમ અનુસાર શાળામાં વિદ્યાર્થીઓ માટે મેદાન છે કે નહીં તેની પૂછપરછ કરતા શાળા સંચાલકે જણાવ્યુ હતુ કે, સ્કૂલ જે જગ્યા પર છે ત્યાં કોઈપણ મેદાન નથી પરંતુ અન્ય જગ્યા પર મેદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.