સુરતઃ માંગરોળના હથોડામાંથી 500 કિલોથી વધુનો ગાંજો ઝડપાયો
અમિત રુપાપરા, સુરતઃ યુવાધનને બરબાદ કરવામાં સૌથી મોટો ફાળો નશીલા પદાર્થોનો છે. ત્યારે સુરતના માંગરોળ વિસ્તારમાંથી ફરી એકવાર મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અગાઉ પણ મોટા પ્રમાણમાં નશીલો પ્રદાર્થ ઝડપાયો હતો. હાલ તપાસ દરમિયાન માંગરોળની હથોડા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાંથી 51.24 કિલોની કિંમતનો 500 કિલો ગાંજો મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, સુરતના ગ્રામ્ય વિસ્તાર જેવા કે પલસાણા, કડોદરા, કામરેજ, માંગરોળ, ઓલપાડ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાંથી નશીલા પ્રદાર્થનો જથ્થો મળી આવે છે, ત્યારે ગઈ કાલે રાત્રે માંગરોળના હથોડા ગામની સીમમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી શંકાસ્પદ ટેમ્પો પાર્ક કરેલો હતો. તેના પર સ્થાનિકોની નજર પડતા કોસંબા પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટેમ્પાની તપાસ હાથ ધરી હતી. જેમાં ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.
ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવતા કોસંબા અને એસઓજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. ટેમ્પામાંથી 512 કિલો ગાંજો જેની કિંમત 51.24 લાખ થવા જાય છે. પોલીસે ગાંજાનો કબ્જો લઈ અજાણ્યા ટેમ્પોચાલક અને ગાંજો મોકલનારા સામે એનડીપીએસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.